જામીન માટે બનાવટી દસ્તાવેજો રજૂ કરનાર સામે કાર્યવાહી:ગોધરામાં ખોટી 7/12 અને સોલવન્સી સર્ટિફિકેટ બનાવી આરોપીને છોડાવનાર બે શખ્સ સામે ગુનો દાખલ

ગોધરા શહેરમાં બનાવટી દસ્તાવેજો રજૂ કરીને આરોપીને જામીનમુક્ત કરાવવાના ગંભીર કિસ્સામાં પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધ્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના રજિસ્ટ્રાર આશુતોષ દવેની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા એક કેસમાં સીઆરપી સિંગ ઉર્ફે રામચંદસિંગ ગોડી નામના આરોપીને જામીન અપાવવા માટે સિદ્દીક મોહમ્મદ સઈદ કઠડીએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. આરોપીએ સર્વે નંબર 773/2ની જમીન ન હોવા છતાં તેની બનાવટી 7/12 ની નકલો તૈયાર કરી હતી. આ દસ્તાવેજોમાં તલાટી-કમ-મંત્રીનો ખોટો સિક્કો, રાઉન્ડ સીલ અને બનાવટી સહીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ બનાવટી દસ્તાવેજોના આધારે સોલવન્સી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું અને તેને કોર્ટમાં સાચા તરીકે રજૂ કરી આરોપી સીઆરપી સિંગને જામીન અપાવવામાં આવ્યા હતા. આ સમગ્ર બાબત કોર્ટના ધ્યાન પર આવતા બંને આરોપીઓ – સિદ્દીક મોહમ્મદ સઈદ કઠડી અને સીઆરપી સિંગ સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.