UPના બાગપતમાં દુર્ઘટના, 7નાં મોત:80 ઘાયલ, નિર્વાણ મહોત્સવમાં 65 ફૂટ ઊંચું સ્ટેજ ધરાશાયી થતા અફરા-તફરી; અનેક લોકોને હોસ્પિટલ ખસેડાયા

યુપીના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 80થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. 7નાં મોત થયાં છે.

ઘણાની હાલત નાજુક છે. તેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો લોહીથી લથપથ ભક્તોને પેંડલ રિક્ષામાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા.

નિર્વાણ મહોત્સવમાં સવારે 7 થી 8 વચ્ચે આ દુર્ઘટના થઈ હતી. તહેવાર દરમિયાન ભગવાન આદિનાથને લાડુ (પ્રસાદ) અર્પણ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આયોજકોએ લાકડાનું 65 ફૂટ ઊંચું સ્ટેજ બનાવ્યું હતું. ઉપર ભગવાનની 4-5 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી હતી.

ભગવાન સુધી પહોંચવા માટે ભક્તો પાલખની સીડીઓ ચઢી રહ્યા હતા. આ દરમિયાન વજન વધવાને કારણે આખો પાલખ તૂટીને નીચે પડ્યો હતો. આ દુર્ઘટના બાગપત શહેરથી 20 કિલોમીટર દૂર બરૌતમાં થઈ હતી.

નાસભાગ મચી ગઈ હતી

સમિતિના સંરક્ષક પ્રમોદે જણાવ્યું કે, આ 26મો નિર્વાણ મહોત્સવ હતો. ભગવાન આદિનાથની મૂર્તિને 65 ફૂટ ઊંચા મંચ પર મૂકવામાં આવી હતી. અહીં દર વર્ષે લાડુ બનાવવાનો ઉત્સવ છે. આ વખતે પણ કાર્યક્રમ થઈ રહ્યો હતો. મંચ પર ચઢવા માટે વાંસની સીડીઓ બનાવવામાં આવી છે. આજે ભીડ વધતા આ અકસ્માત થયો હતો. તે સમયે સીડી પર લગભગ 50 લોકો હતા, જેઓ ઘાયલ થયા હતા. જે બાદ નાસભાગ મચી ગઈ હતી. સીડી પરથી પડી જવાથી લોકોના મોત થયા છે.

સીએમ યોગીએ નિર્દેશ આપ્યા

સીએમ યોગીએ અકસ્માતની નોંધ લીધી છે. અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્યમાં ઝડપ લાવવા માટે કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે. તેમણે ઘાયલોના સાજા થવાની પણ પ્રાર્થના કરી હતી.