સગીરા પર દુષ્કર્મકેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદના મોટેરા આશ્રમમાં 12 વર્ષે તેની એન્ટ્રી થઈ છે. જામીનમાં શરત છે કે આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં. તેમ છતાં તેના સાધકોને જાણ થતાં તેઓ આશ્રમમાં પહોંચવા લાગ્યા છે. આશ્રમ પર સ્થિતિ ન બગડે એ માટે પોલીસ પણ એલર્ટ બની છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદ આગમન સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને જામીન મળતાં તે જોધપુર જેલમાંથી બહાર આવી ગુજરાત આવ્યો છે. હાલ તે અમદાવાદના સાબરમતી ખાતે આવેલા તેના આશ્રમમાં છે. અમદાવાદના આશ્રમમાં આસારામની 12 વર્ષના લાંબા ગાળા બાદ એન્ટ્રી થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આસારામને જ્યારે જામીન મળ્યા ત્યારે તેના અમદાવાદ આવવાની અટકળો વધી હતી. એમાં પણ ખાસ કરીને આસારામ આશ્રમમાં અગાઉ અનેક વિવાદ, જેમ કે દીપેશ-અભિષેકના અપમૃત્યુ કેસ, ત્યાર બાદ દુષ્કર્મ જેવા બનાવોની ફરિયાદ અને ત્યાર બાદ આસારામ આશ્રમ તેના સાધકોના કારણે વિવાદમાં રહી ચૂક્યા છે. આખી તપાસ દરમિયાન અનેક વિવાદો સપાટી પર આવ્યા હતા. ત્યારે વચગાળાના મળેલા જામીન દરમિયાન આસારામ કોઈ નવો વિવાદ ન છેડે એ માટે ચાંદખેડા પોલીસની ટીમ સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે.
આસારામ અને તેમના પરિવારનાં ‘કાળાં કરતૂતો’ 2013માં સામે આવ્યાં હતાં. એ સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. બાળકીનાં માતા-પિતાએ જણાવ્યું કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની પર ભૂતપ્રેતનો ઓછાયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે. બાળકીનાં માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયાં. આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ, 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી.
સગીર બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યાના થોડા મહિનાઓ બાદ બે બહેનોએ પણ કેસ દાખલ કર્યો હતો. એક બહેને આસારામ વિરુદ્ધ અને બીજીએ નારાયણ સાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. બંને બહેનોએ બળાત્કાર, અકુદરતી સેક્સ અને ગેરકાયદે કેદનો આરોપ લગાવ્યો હતો. બહેનોએ આરોપ લગાવ્યો હતો કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઈએ 2001થી 2006 વચ્ચે તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આ કેસમાં આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીને પણ આરોપી બનાવવામાં આવી હતી. એક બહેને સુરતમાં નારાયણ સાઈ સામે કેસ કર્યો હતો, જ્યારે બીજી બહેને અમદાવાદમાં તેની સામે કેસ કર્યો હતો.
આસારામને એપ્રિલ 2018માં જોધપુરના આશ્રમમાં સગીર બાળકી સાથે બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જોધપુર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. આ પછી એપ્રિલ 2019માં સુરત કોર્ટે નારાયણ સાઈને બળાત્કારનો દોષી ઠેરવ્યો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેને 5 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ હવે ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા છે અને તેને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.