
સુરતના પાંડેસરા વિસ્તારમાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. આ યુવક ઘરના રૂમમાં કોહવાયેલી હાલતમાં લટકતો મળ્યો હતો. ચાર સંતાનની માતા સાથે લિવ-ઈનમાં રહેતા યુવકના મોતના પગલે રહસ્ય સર્જાયું છે. આ સાથે જ પરિવારજનો દ્વારા પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
20 વર્ષીય યુવક ચાર સંતાનની માતા સાથે લિવ-ઇનમાં રહેતો મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશ અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં 20 વર્ષીય ચતુરેશ મુનિલાલ વર્મા રહેતો હતો. પરિવારમાં બે ભાઈ અને બે બહેન છે. માતા-પિતાનાં અવસાન નાનપણમાં જ થઈ ગયાં હતાં. ત્યારથી આ ભાઈઓ અને બહેનો સુરત આવીને રોજગારી મેળવી રહ્યાં છે. ચતુરેશ ડાઇન પ્રિન્ટિંગ મિલમાં કામ કરીને ગુજરાન ચલાવતો હતો. ચતુરેશ પરિવારથી અલગ રહેતો હતો અને તેના બંને ભાઈઓ પણ અન્ય વિસ્તારમાં રહેતા હતા.
ચતુરેશ છએક મહિના પહેલાં એક ચાર સંતાનની માતાના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ તેના પ્રેમમાં પડી ગયો હતો. પરિવારજનોએ પણ રૂમ પરથી અલગ જગ્યાએ રહેવા કહ્યું હતું. ત્યાર બાદથી ચતુરેશ અને ચાર સંતાનની માતા છેલ્લા છ મહિનાથી લિવ-ઇનમાં રહેતાં હતાં. દરમિયાન થોડા દિવસ પહેલાં મહિલા ચતુરેશને છોડીને જતી રહી હતી.
બંધ રૂમમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી ગઈકાલે(23-01-2025) રાત્રે 9:30 વાગ્યે આસપાસ પોલીસને જાણ કરવામાં આવી હતી કે ચતુરેશ રૂમમાં લટકી રહ્યો છે. ચતુરેશના રૂમમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી આસપાસના લોકો દ્વારા પણ આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. રૂમમાં પ્રવેશતાં જ કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો. પાંડેસરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક ચતુરેશ જે મહિલા સાથે રહેતો હતો તે પણ રૂમ પર પહોંચી હતી. પરિવારને જાણ થતાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો.
પરિવારજનો દ્વારા મોતને લઈ શંકા વ્યકત કરવામાં આવી પરિવારજનોએ જણાવ્યું હતું કે ચતુરેશનું મોત થઈ ગયા બાદ રાત્રે અમને જાણ કરવામાં આવી હતી. આજે બપોર સુધી મૃતદેહ પણ અમને જોવા મળ્યો નહોતો. ચતુરેશનું મોત કઈ રીતે થયું એની પણ અમને કોઈ જાણ નથી. જે મહિલા સાથે ચતુરેશ રહેતો હતો તેણે જ પોલીસને જાણ કરી છે. અમને તેના પર જ શંકા છે. હત્યા થઈ છે કે નહીં એની અમને જાણ નથી, પણ એ તપાસ બાદ જ ખબર પડશે. ચતુરેશના મોતને લઈને શંકા છે. ચતુરેશ જાતે લટકી ગયો કે કોઈએ લટકાવ્યો છે એ તો તપાસ બાદ જ ખબર પડશે.