લુણાવાડામાં એક યુવતીને ભગાડવામાં મદદ કરી છે તેવી અંગત અદાવતમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત રાણા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. કોટેજ ચોકડી પાસે 12થી 15 લોકોના ટોળાએ પ્રશાંત રાણા પર હુમલો કર્યો હતો, જેમાં તેમને માથા અને કાનના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
ડીવાય એસપી કમલેશ વસાવાના જણાવ્યા અનુસાર, અલગ-અલગ સમાજના યુવક-યુવતી ભાગી જવાના કેસમાં પ્રશાંત રાણાએ મદદ કરી હોવાની અદાવતમાં યુવતીના પરિવારજનોએ આ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પત્થરથી માર મારીને પ્રશાંત રાણાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પ્રશાંત રાણાના ભાઈ આકાશ રાણાએ વચ્ચે પડીને બચાવ્યા હતા.
ગંભીર ઈજાઓને કારણે પ્રશાંત રાણાને પ્રથમ લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હાલમાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની રેડીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા સહિત પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હોસ્પિટલ પહોંચ્યા હતા.લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તમામ આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ CCTV ફૂટેજની મદદથી અન્ય સંડોવાયેલા છે કે નહિ તેની તપાસ કાર્યવાહી કરી રહી છે.