સુરતના નાનપુરા વિસ્તારમાં માસીના ઘરે રહેતા 13 વર્ષના કિશોરે 1 વર્ષની માસિયાઇ બહેનની હત્યા કરી નાખતાં ચકચાર મચી છે. બાળકી સતત રડતી હોવાથી કિશોરને ગુસ્સો આવ્યો હતો અને બાળકીની ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે કિશોરની અટકાયત કરી કિશોર વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસે જુવેનાઈલ ઓફિસર,એનજીઓનાં મહિલા અને મહિલા પોલીસ દ્વારા કિશોરનું કાઉન્સેલ કરવાનું શરૂ કર્યું છે. કિશોર મોબાઈલમાં કોઈ પ્રકારની ઓનલાઈન ગેમ રમતો હતો કે કોઈ વીડિયો ગેમ રમતો હતો અથવા તો સોશિયલ મીડિયામાં એક્ટિવ હતો કેમ એ અંગે પણ તપાસ શરૂ કરી છે.
અચાનક બાળકીને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાઈ મળતી માહિતી પ્રમાણે સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા પરિવારમાં મૃતક દીકરીના પિતાના બહેનનાં સંતાનો પણ રહેતાં હતાં. પરિવાર હોસ્પિટલમાં કામ કરી ઘરનું ગુજરાત ચલાવતો હતો. ત્યારે 13 વર્ષના કિશોર પાસે બાળકીને મૂકીને જતા હતા. એ દરમિયાન તારીખ 21/1/2025ના રોજ બાળકી અચાનક બેભાન થઈ ગઈ હતી, જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં જે હકીકત બહાર આવી એ જાણી સૌકોઈ ચોંકી ગયા હતા. બાળકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાળકીનું મોઢું અને ગળું દબાવી હત્યા થઈ હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું, જેથી અઠવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન પોલીસે પૂછપરછ શરૂ થઈ હતી ત્યારે 13 વર્ષના કિશોરે બાળકીની હત્યા કરી નાખી હોવાનું કબૂલ્યું હતું. કિશોરે જણાવ્યું હતું કે બાળકી સતત રડતી હતી અને તે છાની ન રહેતાં કિશોરને ગુસ્સો આવ્યો હતો અને તેને ગુસ્સામાં જ પહેલા ઓશીકાથી મોઢું દબાવ્યું હતું, પછી ગળું દબાવી દેતાં મોત થયું હતું. ઘટના સંદર્ભે પોલીસે કિશોરને કસ્ટડીમાં લેતાં પરિવારે કલ્પાંત કરી ગુનો નહીં દાખલ કરવા પોલીસને આજીજી કરી હતી, પરંતુ પોલીસે ગંભીર ગુનાને લઈ કિશોરની અટકાયત કરી તેના વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કિશોર એક વર્ષ પહેલાં મુંબઈથી સુરત આવ્યો હતો અને માસીના ઘરે રહેતો હતો. કિશોરની આ હરકતથી લોકો ચોંકી ગયા છે.
આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે 13 વર્ષના કિશોરે 1 વર્ષની બાળકીની હત્યા કરી નાખી હતી, જેથી તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કિશોરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે બાળકી સતત રડતી હતી, જેથી તેને ચૂપ કરાવવા તેના મોઢા ઉપર ઓશીકું મૂકી દીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે કિશોરને એ માહિતી ન હતી કે તેના મોઢા ઉપર ઓશીકું મૂકવાથી બાળકીના શ્વાસ રૂંધાઈ જાય. આ સાથે પોલીસે જુવેનાઈલ ઓફિસર, એનજીઓનાં મહિલા અને મહિલા પોલીસ દ્વારા કિશોરનું કાઉન્સેલ કરવાનું શરૂ કર્યું છે. કિશોર મોબાઈલમાં કોઈ પ્રકારની ઓનલાઈન ગેમ રમતો હતો કે કોઈ વીડિયો ગેમ રમતો હતો અથવા તો સોશિયલ મીડિયામાં એક્ટિવ હતો કેમ એ અંગે પણ તપાસ શરૂ કરી છે. આ સાથે પોલીસે જણાવ્યું હતું કે મૃતક બાળકીના પિતા બહાર મજૂરીકામ કરે છે, અહીં ફક્ત એ તેની માતા અને બાળકો રહેતાં હતાં. ઘરમાં બાળકીનું કોઈ ધ્યાન રાખે એમ ના હોવાથી કિશોરને બોલાવ્યો હતો.