
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. તાલુકા પંચાયતના TDO ઉમેદકુમાર સોલંકીની દેખરેખ હેઠળ આવાસ પ્લસ સર્વેની કામગીરી ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 605 લાભાર્થીની માહિતી આવાસ પ્લસ સોફ્ટવેરમાં સફળતાપૂર્વક અપલોડ કરવામાં આવી છે.
તાલુકાની કુલ 54 ગ્રામ પંચાયતમાં ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર આ સર્વેની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. TDO સોલંકીએ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે તમામ કર્મચારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને પાકા મકાનનું સપનું સાકાર કરવામાં મદદરૂપ થશે.

વર્તમાનમાં આ સર્વેની કામગીરીને અગ્રીમતાના ધોરણે ચાલુ રાખવામાં આવી છે અને વહેલી તકે તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પહેલથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ઘરનું ઘર મળશે અને તેમનું જીવનધોરણ સુધરશે.