ગોધરાના ચંચોપા ખાતે 20 એકર જમીન પર રુ. 522 કરોડના ખર્ચે નિર્માણાધીન મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે મુલાકાત લીધી હતી. તેમણે કોન્ટ્રાક્ટર પાસેથી પ્રોજેક્ટની વિગતવાર માહિતી મેળવી અને કામગીરીની સમીક્ષા કરી હતી.
વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રોજેક્ટની 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ નવીન મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લેક્ચર થિયેટર, વિશાળ લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ સંકુલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનો સાથે 7 ઓપરેશન થિયેટર, 5 ICU વોર્ડ, ઈમરજન્સી વોર્ડ, અદ્યતન લેબોરેટરી અને 430 બેડની સુવિધા ઉપલબ્ધ થશે. હાલમાં પંચમહાલના લોકોને સારવાર માટે અમદાવાદ કે વડોદરા જવું પડે છે, પરંતુ આ હોસ્પિટલ બની જતાં સ્થાનિક લોકોને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ તેમના વિસ્તારમાં જ મળી રહેશે. આ પ્રોજેક્ટથી પંચમહાલના વિકાસને નવી દિશા મળશે અને પ્રદેશના ગરીબ દર્દીઓને પણ આધુનિક સારવાર સુલભ બનશે.