જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, જૈન સમાજના સાધુ-સાધ્વી ભગવાનંતોને વિહારમાં તકલીફ ન પડે તે માટે વિહાર સેવા ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં દિક્ષા લેનાર જતિનભાઈ સક્રિય રીતે અવારનવાર સાધુઓ-ભગવાનંતોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના કામમાં જોડાયેલા હતા. આમ વડોદરા વિહાર સેવક ગ્રુપનું ગૌરવ જતિનભાઈ પંજાબી હતા અને એમાં ગુરુ ભગવાનંતોનો સંગ એવો લાગી ગયો કે, પરમાત્મા તરફનો લગાવ વધી ગયો અને તેમને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.
આ દિક્ષા ગ્રહણ કરનાર જતીનભાઈ પંજાબી, અલકાપુરી જૈન સંઘમાં કાર્યરત ડોક્ટર અભિષેક શાહના મિત્ર હતા. ડોક્ટર અભિષેકે જણાવ્યું કે, જતીનભાઈ પોતે આર્કિટેક હતા અને બિલ્ડીંગ ડિઝાઇન વગેરે સ્વતંત્ર વ્યવસાય કરતા હતા. તેમના પિતા મહેશભાઈ બે વર્ષ પહેલાં જ સ્વર્ગવાસી થયા હતા. હાલમાં તેમની માતા શ્રીનગર સોસાયટીમાં રહે છે અને તેમની સગી બે બહેનો પરણીત જ છે.
અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં જતિનભાઈ આ.રત્નસુંદરસૂરીના વ્યાખ્યાનમાં અવારનવાર આવતા. જે પછી તેમને ધીમે ધીમે જૈન ધર્મ ગમવા માંડ્યો અને વિહાર સેવામાં જોડાવા લાગ્યા. સતત 7-8 વર્ષથી વિહાર સેવા કરી. શ્રી અકોટા જૈન સંઘ – વડોદરામાં મોક્ષરતી મા.સાહેબનું ચાતુર્માસ થયું. એમાં જતીનભાઈએ ધર્મ જ્ઞાન લીધું. પાંચ પ્રતિક્રમણ, જીવિચાર અને બીજો અભ્યાસ કર્યો. સાથે કંદમૂળ, નોન વેજનો સંપૂર્ણ ત્યાગ કર્યો અને વીરતી તરફ લગની લાગી.
લગભગ 2 વર્ષ પછી સંઘમાં શાસન સમ્રાટ નેમીસુરી સમુદાયના ઉપાધ્યાય પુંડરીક વિજયજીનું ચાતુર્માસ થયું અને ગુરુદેવ સંગ જતીનભાઈને લગની બંધાઈ. નિત્ય ચોવિહાર અને પ્રતિક્રમણ સાથે ખુબજ ભાવથી ધર્મ ક્રિયામાં આગળ વધ્યા અને પર્યુષણમાં પૌષધ કર્યા. પિતાના અવસાન પછી જતીનભાઈને ઘર પરિવારની જવાબદારી વધી ગઈ, પણ મન તો જૈન ધર્મમાં પોરવાયું હતું. સંસાર અસાર લાગવા માંડ્યો ને અંતે ગુરુદેવ સમક્ષ દીક્ષાની વાત કરી.
જતીનભાઈ સિંધી એટલે એમના ઘરે જૈન ધર્મ વિશે સમજ નહોતી. પણ સમાજના અગ્રણીઓ તથા ગુરુ મહારાજની વાત પરીવારને ગમી. પરીવારે એમના સિંધી ધર્મગુરુને આ વાત કરી ત્યારે તેમને પણ દીકરો સાચા રસ્તે જઈ રહ્યો છે એમ જણાવતાં પરીવારે દીક્ષાની મંજુરી આપી હતી. વડોદરા અલકાપુરી જૈન સંઘમાંથી પણ 2 બસો અને 35-40 ખાનગી વાહનો સાથે ભાવિક ભક્તો જતીનભાઈની દીક્ષા માટે શંખેશ્વર તીર્થ ખાતે ગયા હતા. ત્યાં ગઈ કાલે નુતન યાત્રિક ભવન ધર્મશાળા ખાતે આચાર્ય યશોવર્મા સુરીશ્વરજી મહારાજ શાસન સમ્રાટ ઉપાધ્યાય પુનરીક વિજયજીના શિષ્ય પદ્મના વિજયજીના તેઓ શિષ્ય બન્યા અને તેમનું નવું નામ પાશ્વ પદ્મવિજય પાળવામાં આવ્યું છે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.