27 લાખના એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો:ATSએ લાલદરવાજા પાસેથી ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી; મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા

ગુજરાતમાં ફરી એક વખત લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે શહેરના સંવેદનશીલ વિસ્તારમાંથી ATSએ 27 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે લાલદરવાજા ખાતે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એક આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે. આ ડ્રગ્સ રેકેટમાં અન્ય આરોપી હોવાની શક્યતાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

બાતમીના આધારે ATSએ યુવકને ઝડપ્યો ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે, લાલદરવાજા હનુમાન ગલી ખાતે રહેતો ફરહાન નામનો યુવક એમડી ડ્રગ્સ વેચી રહ્યો છે. બાતમીના આધારે એટીએસની ટીમે વોચ ગોઠવી હતી અને ફરહાન નામના યુવકની અટકાયત કરી લીધી હતી. ફરહાન પાસેથી 55 ગ્રામ જેટલે સફેદ પાઉડર મળી આવ્યો હતો. ફરહાને તો સફેદ પાઉડર એમડી ડ્રગ્સ હોવાની કબુલાત કરી લીધી હતી, પરંતુ એટીએસની ટીમે એફએસએલની મદદ લીધી હતી.

આરોપીએ પૂછપરછમાં અનેક ખુલાસા કર્યા એટીએસનીની ટીમે તાત્કાલીક એફએસએલની ટીમને બોલાવી લીધી હતી. એફએસેલની ટીમે સફેદ પાઉડરનું પરિક્ષણ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટ આપતાની સાથે એટીએસની ટીમે ફરહાનની ધરપકડ કરી લીધી હતી. એટીએસની કચેરીમાં ફરહાનની આગવી સ્ટાઇલથી પૂછપરછ થતા તેણે અનેક ચોંકાવનારી કબુલાત કરી છે. ફરહાન કોની પાસેથી ડ્રગ્સ લાવે છે તેની માહિતી એટીએસને આપી દીધી હતી. મહિતી મળતાની સાથેજ એટીએસની ટીમે ડ્રગ્સ માફિયાને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

દસ વર્ષ જેલની હવા ખાઇને ફરહાન બહાર આવ્યો હતો ફરહાન ડ્રગ્સ માફિયા તરીકે પંકાયેલો છે, તેવુ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. ફરહાન પહેલા ચરસનો ધંધો કરતો હતો, જેમાં તેની ધરપકડ થઇ હતી. ચરસના કેસમાં ફરહાન દસ વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહીને આવ્યો હતો. જેલની સજા પુરી થયા બાદ ફરહાન બહાર આવ્યો હતો અને જ્યા તેણે એમડી ડ્રગ્સનો ધંધો શરૂ કરી દીધો હતો.

ત્રણ વર્ષથી ડ્રગ્સનો ધંધો ચલાવતો હોવાનો ઘટસ્ફોટ ફરહાનનો આકા વસીમ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. ડ્રગ્સના ધંધામાં ફરહાન એટલો માસ્ટરમાઇન્ડ હતોકે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, સ્થાનિક પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ તેને પકડવામાં અસફળ રહી હતી. ફરહાન છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સનો ધંધો બેરોકટોક ચલાવી રહ્યો છે. ફરહાનની ધરપકડ બાદ ડ્રગ્સના મોટા માથાની સંડોવણી ખુલે તેવી શક્યતાઓ છે.

27 લાખના ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ ડ્રગ્સના દુષણને ડામવા માટે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. ડ્રગ્સ માફિયાઓએ બનાવેલી માયાઝાળને પોલીસ એજન્સીઓ ક્રેક કરીને પેડલરથી લઇને માફિયા સુધી પહોંચી રહી છે. ગુજરાત એટીએસની ટીમે આવોજ એક ધડાકો કર્યો છે અને ડ્રગ્સ માફિયાઓની સીન્ડીકેટ સુધી પહોચી ગઇ છે. એટીએસની ટીમે લાલદરવાજા ખાતેથી 27 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ફરહાન નામના ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે. ફરહાનની ધરપકડ બાદ કોટ વિસ્તારમાં એમડી ડ્રગ્સનો ધંધો કરતા મોટા માથાના નામ સામે આવે તેવી શક્યતાઓ છે. ફરહાન વર્ષોથી ડ્રગ્સનો ધંધો કરવા માટે પંકાયેલો છે.

ડ્રગ્સને ડામવા પોલીસનું ખાસ અભિયાન ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ ડ્રગ્સ માફિયા પોતાનું નેટવર્ક અમદાવાદ સહિત ગુજરાતમાં એવી રીતે ઘૂસાડી દીધુ છે કે જેનો હિસ્સો ઘણા લોકો પણ બની ગયા છે. યુવકો અને યુવતીઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડુબી ગયા છે કે, હવે ડ્રગ્સ માફીયાઓને ફાવતુ મળી ગયુ છે. ડ્રગ્સ માફીયાને તો પોલીસ રોકી રહી છે, પરંતુ નશો કરનારને પકડવા માટે પણ પોલીસે એક અભિયાન શરૂ કર્યુ છે.