ઝાલોદમાં હોસ્પિટલના શૌચાલયમાંથી મૃત નવજાત મળ્યું : અધૂરા માસે જન્મેલા બાળકને ત્યજી અજાણી મહિલા ફરાર

રિપોર્ટર : પંકજ પંડિત

દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. સવારે 9 વાગ્યાના સુમારે હોસ્પિટલના શૌચાલયમાંથી એક મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું, 6-7 માસના અધૂરા માસે જન્મેલા બાળકને ત્યજી અજાણી મહિલા ફરાર થઈ ગઈ છે. જેની CCTVના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ ખાતે ગતરોજ અંદાજીત સવારના 9 વાગ્યાના અરસામાં સફાઈ કર્મચારી બાથરૂમની સફાઈ કરવા ગયા હતા. ત્યારે તેને એક નવજાત શિશુ જોવા મળ્યું હતું. સફાઈ કર્મચારી દ્વારા બાળકને જોતા જ તાત્કાલીક હોસ્પીટલના અધિક્ષકનો સંપર્ક કર્યો હતો. સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. હોસ્પિટલના અધીક્ષક તેમજ પોલીસ દ્વારા બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, મેડિકલ તપાસમાં શિશુ મૃત હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. અધિકારીઓ શિશુને ત્યજી દેનાર માતાની ઓળખ અને શોધખોળમાં લાગ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

પોલીસે આ મામલે અજ્ઞાત માતા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ વિસ્તારવામાં આવી છે, જેથી આવી નિર્દયી કૃત્ય કરનાર વ્યક્તિને શોધી શકાય.