ગોધરા જીઆઈડીસી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીપી)ની ટીમે આજે મોટી કાર્યવાહી કરી હતી. જીપીસીપીની ટીમે નગરપાલિકા અને પોલીસની મદદથી ત્રણ પ્લાસ્ટિક એકમોમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન જીઆઈડીસીમાં આવેલા કૃષ્ણા કમલ ગોડાઉન, ગીદવાણી રોડ પરના કૈલાશ પ્લાસ્ટિક અને કૃષ્ણા પ્લાસ્ટિક એકમમાંથી 120 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકના કુલ 1200 કિલો જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ જપ્ત કરાયેલા જથ્થામાં પ્લાસ્ટિકના ઝભ્ભા અને પાણીના ડિસ્પોઝેબલ ગ્લાસનો સમાવેશ થાય છે. સરકારના નિયમ મુજબ 120 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ છે. જીપીસીપીની ટીમે ત્રણેય એકમોને ક્લોઝર નોટિસ ફટકારી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી હાલોલ જીઆઈડીસીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન કરતી ફેક્ટરીઓ પર થયેલી કાર્યવાહી બાદ કરવામાં આવી છે. જીપીસીપી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.