હાલોલ ઔદ્યોગિક વસાહતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરીબેગનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સામે આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની આગેવાનીમાં મામલતદાર, જીપીસીબી અને પોલીસની સંયુક્ત ટીમે પ્રતાપપુરા દુનિયા અને સાતરોટા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.
કેન્દ્ર સરકારે 120 માઇક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક બેગ પર 2022થી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં, હાલોલ ઔદ્યોગિક વસાહતની 700થી વધુ ફેક્ટરીઓમાં 15 અને 20 માઇક્રોનના પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન ચાલુ હતું. તપાસ દરમિયાન ટીમે બંધ ફેક્ટરીઓના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો, જ્યાંથી મોટા જથ્થામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ મળી આવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન ગોધરા રોડ પર બંસલ મોલ નજીક ફેક્ટરી માલિકોએ મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરી વિરોધ શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને મહિલા ચીફ ઓફિસર સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. પરિસ્થિતિ કાબૂમાં લેવા વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
આ અગાઉ પણ જીપીસીબી દ્વારા આવા યુનિટો સીલ કરવામાં આવ્યા હતા, પરંતુ ફેક્ટરી માલિકો ફરી ગેરકાયદે ઉત્પાદન શરૂ કરી દેતા હતા. મોટાભાગની ફેક્ટરીઓ મુખ્ય ગેટને તાળું મારી અંદર છૂપી રીતે ઉત્પાદન કરતી હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હતી.