ભારતીય ફીમેલ સિંગરે કોલ્ડપ્લેમાં ઈતિહાસ રચ્યો:ક્રિસ માર્ટિને ‘જય શ્રીરામ’ અને ‘બુમરાહ’નું નામ લઈ ફેન્સનું દિલ જીત્યું; કોન્સર્ટમાં ચાહકોથી ખીચોખીચ ભરાયું સ્ટેડિયમ

કોલ્ડપ્લે વર્લ્ડ ટૂર 2025નો પ્રથમ કોન્સર્ટ શનિવારે મુંબઈના ડીવાય પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં થયો હતો. આ કોન્સર્ટ રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી બે કલાક સુધી ચાલ્યો હતો. આ દરમિયાન સ્ટેડિયમ ભરચક હતું. કોન્સર્ટમાં 40 હજારથી વધુ લોકો જોવા મળ્યા હતા. ભારતની જસલીન રોયલે આ શોની શરૂઆત કરી હતી. તેણે ‘ખો ગયે હમ કહાં’, ‘રાંઝા અને લવ યુ ઝિંદગી’ જેવાં ગીતો ગાયાં. બ્રિટિશ રોક બેન્ડ માટે ઓપનિંગ કરનાર જસલીન પ્રથમ ભારતીય કલાકાર છે.

કોન્સર્ટના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. કોન્સર્ટમાં, ક્રિસ માર્ટિને યલો, પેરેડાઇઝ, મેજિક અને ઘણાં પ્રખ્યાત ગીતો ગાયાં.

કોન્સર્ટ દરમિયાન ક્રિસ માર્ટિને જસપ્રીત બુમરાહને યાદ કર્યો કોલ્ડપ્લેના પોપ્યુલર સિંગર ક્રિસ માર્ટિને 18 જાન્યુઆરીના રોજ મુંબઈમાં તેમના કોન્સર્ટ દરમિયાન એક અનોખી ક્ષણ શેર કરી. આ દરમિયાન તેણે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું નામ લીધું, જેના કારણે કોન્સર્ટમાં હાજર ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. જ્યારે માર્ટિન પોતાનું પ્રખ્યાત ગીત ‘અ સ્કાય ફુલ ઓફ સ્ટાર્સ’ રજૂ કરી રહ્યો હતો ત્યારે તેણે માઈક ઉપાડ્યું અને કહ્યું કે શો વહેલો સમાપ્ત કરવો પડશે, કારણ કે બુમરાહ બેકસ્ટેજ પર આવીને તેની સાથે ક્રિકેટ રમવા માગે છે.

ક્રિસ માર્ટિને મજાકમાં કહ્યું, “રાહ જુઓ, આપણે શો સમાપ્ત કરવો પડશે, કારણ કે જસપ્રીત બુમરાહ બેકસ્ટેજ પર આવીને ક્રિકેટ રમવા માગે છે. તે મારા માટે બોલિંગ કરવા માગે છે.” આ સાંભળીને શ્રોતાઓ ઉત્સાહિત થઈ ગયા અને તાળીઓના ગડગડાટથી વાતાવરણ વધુ રોમાંચક બની ગયું. કેટલાક ચાહકોએ તો એવું પણ વિચાર્યું હતું કે બુમરાહ સ્ટેજ પર આવશે, પરંતુ એવું બન્યું નહીં.

મુંબઈ પછી કોલ્ડપ્લે અમદાવાદમાં વધુ 2 કોન્સર્ટ કરશે. આ શો 25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. કોન્સર્ટના થોડા દિવસો પહેલાં bookmyshowમાં અમદાવાદની વધારાની ટિકિટો ઉમેરવામાં આવી છે.

bookmyshowના ઓફિશિયલ પેજ પર 15 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે- કોલ્ડપ્લે મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર 2025 – ભારત, અમદાવાદના તમામ શો માટે લિમિટેડ ટિકિટો ઉમેરવામાં આવી છે. અમદાવાદમાં બંને શોની લિમિટેડ ટિકિટ આજે સાંજે 6 વાગ્યાથી લાઈવ થશે.