ગોધરા પાલિકા દ્વારા શહેરીજનો પાસેથી પાછલા વર્ષના તથા ચાલુ વર્ષનો મળી કુલ 31.50 કરોડ વેરો વસુલવાનો બાકી

ગોધરા પાલિકા દ્વારા શહેરીજનો પાસેથી પાછલા વર્ષના તથા ચાલુ વર્ષનો મળી કુલ 31.50 કરોડ વેરો વસુલવાનો બાકી બોલે છે. જેમાથી ફક્ત 10.32 કરોડ થયેલ વસુલાત થતા શહેરીજનો પાસેથી હજુ 21.18 કરોડનો વેરો વસુલવાનો બાકી રહેતા બાકી વેરાદારો સામે પાલિકા દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.

ગોધરા શહેરમાં દિવસે દિવસે વિસ્તારો વધતા હાલ પાલિકામાં 4900 મિલ્કતો નોંધાયેલી છે. પાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારી વધારવા વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ વેરો ભરવામાં શહેરીજનો ઉદાસીન હોય તેવું લાગી રહ્યું છે. પાલિકા દ્વારા દર વર્ષે વિવિધ કરવેરા અંગે બાકીદારોને બીલ મોકલી આપવામાં આવે છે. પરંતુ ગમે તે કારણોસર પ્રજા વેરા ભરવામાં ઉદાસીન વલણ દાખવતી હોય છે. પરંતુ કેટલાક શહેરીજનો દ્વારા નિયમિત વેરાની ભરપાઇ કરવામાં આવે છે. પરંતુ વેરો ભરવામાં ઉદાસનતા રાખતા લોકોના માથે વેરાનો બોજો વધાતા પાલિકાના ચોપડે વેરાની રકમ વધતી જાય છે. જ્યારે શહેરીજનોને રસ્તા, પાણી, ગટર સહીતની સુવિધાઓ નથી મળતી ત્યારે લોકો પાલિકા કચેરીમાં હલ્લાબોલ કરતા હોય છે. પરંતુ જ્યારે કરવેરા ભરવાની વાત આવે ત્યારે પાલિકાએ નિયમનો દંડો ઉગામવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ગોધરા પાલિકાના ચોપડે પાછલા વર્ષના તથા ચાલુ વર્ષનો મળી કુલ 31.50 કરોડ વેરો શહેરીજનો પાસેથી વસુલવાનો બાકી છે. જેમા તાલુકા પંચાયતની 21 જેટલી શાળાઓના 13 લાખનો વેરો બાકી બોલે છે. પાલિકા દ્વારા વધુ વેરોબાકી હોય તેવા બાકી વેરાદારોને વારંવાર નોટીસ ફટકારી છે. ત્રણ ટીમો વેરા વસુલાત માટે નિકળતી હોય છે.

આજની તારીખ સુધીમાં પાલિકામાં કુલ 10.32 કરોડનો વેરો જમા થયેલ છે. જ્યારે પાલિકાએ શહેરીજનો પાસેથી હજુ 21.18 કરોડનો વેરો વસુલવાનો બાકી છે.

સિલીંગ તથા પાણી જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવશે ગોધરા શહેરના મિલ્કત ધારકોને વેરો જમા કરવા માટે પાલિકા દ્વારા અગાઉથી રસીદ મોકલી જાણ કરવામાં આવે છે. તેમ છતા વેરાદારો વેરો જમા કરવાતા નથી. પાલિકા હાલ ત્રણ ટીમ દ્વારા વેરો વસુલવાની કામગીરી કરી રહી છે. પરંતુ જો બાકીવેરા દારો સમયસર વેરો નહી ભરે તો આગામી દિવસોમાં સિલીંગ તથા પાણી જોડાણ કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.- વેરા વસુલાત અધિકારી