દાહોદના બહુચર્ચિત નકલી બિનખેતી (એન.એ.) પ્રકરણમાં આરોપી કુત્બુદ્દીન રાવતને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમની ધરપકડ પર સ્ટે મૂક્યો છે, જેના કારણે હાલમાં વિદેશમાં રહેતા રાવત માટે દાહોદ પરત ફરવાનો માર્ગ મોકળો બન્યો છે.
આ કેસમાં દાહોદ પોલીસે રાવતને ભાગેડુ જાહેર કર્યા હતા અને તેમની મિલકત પણ ટાંચમાં લેવામાં આવી હતી. રાવતે સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જ્યાં તેમના ધારાશાસ્ત્રી ઉત્કર્ષ દવેની દલીલો બાદ ધરપકડ પર સ્ટે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી, જેમાં કોર્ટે તેમની તરફેણમાં નિર્ણય આપ્યો છે.
ધારાશાસ્ત્રી ઉત્કર્ષ દવેએ કોર્ટમાં મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો કે, આટલું મોટું નકલી બિનખેતી કૌભાંડ મોટા અધિકારીઓની સંડોવણી વગર શક્ય જ નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દાહોદના પ્રાંત અધિકારી અને મામલતદારની ચાલુ કેસમાં તાત્કાલિક બદલી શા માટે કરવામાં આવી? તેમના મતે પોલીસ તંત્ર કેટલાક મોટા અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કુત્બુદ્દીન રાવત આગામી થોડા દિવસોમાં દાહોદ પરત ફરવાની શક્યતા છે. આ કેસમાં તેમની સામે બે ફરિયાદો નોંધાયેલી છે. ત્યારે જાણવા મળ્યાં અનુસાર, કોર્ટ દ્વારા પણ પોલીસ પ્રશાસન સામે આ મામલે જવાબો માંગ્યો હતાં. આ સમગ્ર નકલી બિનખેતી મહા કૌભાંડ આવનાર દિવસોમાં કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે ? તેની પર લોકોની નજર રહેલી છે.