પગાર બાબતે સુપરવાઇઝર પર 12 ઇંચના ચપ્પુથી હુમલો:જાંઘમાંથી પસાર થઈ ચપ્પુ પેટના નીચેના ભાગ સુધી આવ્યું, સિવિલના ડોક્ટરોએ 5 કલાક સર્જરી કરી, ICUમાં દાખલ

સુરતના ઉધના વિસ્તારમાં કામદારે પોતાના સુપરવાઈઝર પર 12 ઇંચના ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો ગઈકાલે (17 જાન્યુઆરી) સામે આવ્યો હતો. આ ઘટનામાં સુપરવાઈઝર ગંભીર રીતે ઘવાતાં હાલ તેને આઇસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. હુમલો એટલો ભયાનક હતો કે ચપ્પુ જાંઘમાંથી પસાર થઈ પેટના નીચેના ભાગ સુધી ઘૂસી ગયું હતું. ડોકટરો દ્વારા એક્સ-રે કરવામાં આવતાં ચપ્પુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 12 ઇંચ લાંબા ચપ્પુમાંથી માત્ર 15 ટકા ભાગ જ બહાર હતો, જ્યારે 85 ટકા ભાગ અંદર ઘૂસેલો હતો.

આ ગંભીર પરિસ્થિતિમાં તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ચપ્પુને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 5 કલાક સુધી સર્જરી કરી હતી. ડોક્ટરોના પ્રયાસોને કારણે સુપરવાઇઝરની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.પોલીસના પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે સુપરવાઈઝર અને હુમલાખોર કામદાર મનોજ વચ્ચે પગાર અને પૈસાની લેતી-દેતી બાબતે વિવાદ હતો. પોલીસે આ હુમલાને પગલે તપાસ શરૂ કરી છે અને ચપ્પુને પુરાવા તરીકે કબજે કર્યું છે.

ઉધના વિસ્તારમાં આવેલી સોનલ ઇન્ડસ્ટ્રિયલ કંપનીમાં રાકેશ પટેલ નામનો યુવક સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હતો. આ કંપનીમાં અગાઉ કામ કરતો ઓડિશાવાસી કારીગર મનોજ પગારના વિવાદને કારણે એક મહિના પહેલાં નોકરી છોડીને ગયો હતો. મનોજ અચાનક કંપની પહોંચ્યો અને રાકેશ પટેલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પીડિત રાકેશને પેટના ભાગે ચાર ઘા મારી કારીગર ફરાર થઈ ગયો હતો. બાદમાં રાકેશને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

હુમલાની જાણ થતાં જ ઉધના પોલીસે ઘટનાસ્થળે પહોંચી કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મનોજને ઝડપી પાડવા ટીમ બનાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓનાં નિવેદનોના આધારે આગળની કાર્યવાહી થશે. પ્રાથમિક તપાસમાં આ હુમલો જૂના પગાર વિવાદ અને કામ સંબંધિત અદાવતને કારણે થયો હોવાનું અનુમાન છે. હાલ આ મામલે ઉધના પોલીસ તપાસ કરી રહી છે.રાકેશ પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની સારવાર કરતા તબીબોએ જણાવ્યું હતું કે ઈજા ગંભીર છે, પરંતુ સ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.