સુરતમાં 10 દિવસમાં ફરી એક બાળભ્રૂણ મળ્યું:પાંડેસરા વિસ્તારમાંથી ત્યજેલું નવજાત મળતાં સારવાર અર્થે ખસેડાયું

9 જાન્યુઆરીના રોજ પાંડેસરા વિસ્તારમાંથી એક ભ્રૂણ મળ્યું હતું, જેની તપાસ હજુ ચાલી રહી છે. આ વચ્ચે ફરી એક વખત પાંડેસરા વિસ્તારના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાં બીજા ભ્રૂણ મળવાના કેસથી ચકચાર મચી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ સ્થિતિએ માતા અને ભ્રૂણ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં પુનઃએકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી બાળભ્રૂણ મળ્યું છે. આ કરુણ ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં આઘાત ફેલાયો હતો. વડોદ ગામના એક ખુલ્લા પ્લોટમાંથી બાળકનું ભ્રૂણ મળતાં સ્થાનિકોએ તરત જ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પાંડેસરા પોલીસના મતે આ ભ્રૂણ તાજું જન્મેલું હતું અને બેદરકારીપૂર્વક ત્યાં ફેંકવામાં આવ્યું હોવાની શંકા છે.

બાળભ્રૂણને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની વધુ તબીબી તપાસ કરવામાં આવશે. હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું કે ભ્રૂણ કેટલા દિવસનું હતું અને એનો સ્ત્રોત શું છે એ તપાસવામાં આવશે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. ‘આવું કૃત્ય શરમજનક છે, નિર્દોષ બાળભ્રૂણને આ રીતે ફેંકી દેવું અમાનવીય છે, એમ એક રહેવાસીએ જણાવ્યું હતું.

પાંડેસરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બાળકના ભ્રૂણને અહીં કોણ ફેંકી ગયું એ શોધવા માટે સાક્ષીઓનાં નિવેદન લેવામાં આવી રહ્યાં છે તેમજ નજીકના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.