અમદાવાદમાં પણ જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ પાસે ગુજરાત રાજ્ય મુસ્લિમ વફ્ક બોર્ડની જમીન પર બનાવવામાં આવેલી ગેરકાયદે દુકાનોને આજે શનિવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેસીબી મશીન અને મજૂરોની મદદથી 10 જેટલી દુકાનને તોડી પાડવામાં આવી છે.
પોલીસ-બંદોબસ્ત વચ્ચે દુકાનો તોડી પાડવાની કામગીરી અમદાવાદની વાત કરીએ તો કાચની મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યામાં દુકાનો બનાવી હોવાનો આક્ષેપ થયો હતો. એ બાદ સ્કૂલ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ જગ્યા મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે. મુસ્લિમ વક્ફ બોર્ડની જમીન હોવાનો ખુલાસો થયો હતો. આ વિવાદ સામે આવતાં ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગના ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા આ મામલે અધિકારીઓને સૂચના આપી હતી. એ બાદ કોર્ટે કોર્પોરેશનને કાર્યવાહીનો આદેશ આપતાં આજે એને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
8થી 10 જેટલી દુકાન બાંધી દેવામાં આવી હતી સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે આવેલી ગુજરાત રાજ્ય મુસ્લિમ વક્ફ બોર્ડની જમીન પર ગેરકાયદે રીતે 8થી 10 જેટલી દુકાનો બાંધી દેવામાં આવી હતી. સ્થાનિક સલીમ પઠાણ નામની વ્યક્તિ દ્વારા આ સમગ્ર જગ્યા પરનો વહીવટ કરવામાં આવતો હતો. જે જગ્યા પર દુકાનો બનાવી દેવામાં આવી હતી એ જગ્યા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની હોવા અંગેનો ભાજપના ધારાસભ્યનો આક્ષેપ હતો, જોકે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે આ જગ્યા ભાડા પટ્ટે લેવામાં આવી હતી, જે મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે.
દુકાનોનું લાખો રૂપિયા ભાડું ઉઘરાવવામાં આવતું હતું જોકે આ જગ્યાના વિવાદ બાદ જે જગ્યા ઉપર બાંધકામ થયેલું છે એને લઈને સવાલો ઊભા થયા હતા. મુસ્લિમ વક્ફ બોર્ડની જગ્યા ઉપર બાંધી દેવામાં આવેલી આ દુકાનોનું લાખો રૂપિયા ભાડું ઉઘરાવવામાં આવતું હતું. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતાં જે દુકાનો બનાવવામાં આવેલી છે એની કોઈ મંજૂરી લેવામાં આવેલી નહોતી અને દુકાનો ગેરકાયદે રીતે બાંધી દેવામાં આવી હતી, જેથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. એ બાદ આજે શનિવારે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે તમામ દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.