ગોધરા,
કાલોલના વેજલપુર ઓધવજી ફળિયામાં રહેતા વૃદ્ધાને કપડાથી બાંધી દઈ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.ધટનાને પગલે પોલીસ એકશનમાં આવી વેજલપુર પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી એફ.એસ.એલ.તેમજ ડોગ સ્કવોર્ડની મદદ લઈ હત્યારાઓનુ પગેરૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
વેજલપુરના ઓધવજી ફળિયામાં રહેતા 77 વર્ષિય મીનાક્ષીબેન કાંતિલાલ મોદી જેઓ પોતાના ધરે એકલા જ રહેતા હતા. મીનાક્ષીબેન નિત્યક્રમ મુજબ સવારે મંદિરમાં સેવા માટે જતા હતા. પરંતુ શનિવારે તેઓ મંદિરમાં નહિ જતા તેઓના જયોતિબેને ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક નહિ થઈ શકતા રાજેશભાઈને જાણ કરી હતી. દરમિયાન રાજેશભાઈએ મીનાક્ષીબેનના ધરે જઈ તપાસ કરતા ધરમાં આગળના ભાગે હિંચકા ઉપર મોબાઈલ અને પાકિટ પડેલા જોવા મળ્યા હતા જેથી તેઓના સ્વજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી ગોધરા ખાતે રહેતા મીનાક્ષીબેનના પુત્ર અનીલકુમાર મોદી વેજલપુર ખાતે દોડી ગયા હતા અને ધરમાં જઈ જોતા મીનાક્ષેબેનના બંને હાથ કપડા વડે બાંધેલા અને ઉંધી હાલતમાં પડેલા જોવાયા હતા. જેઓને બોલાવવાનો પ્રયાસ કરતા તેઓનુ મોત નીપજયું હોવાનુ જણાઈ આવ્યુ હતુ. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતકના પુત્રની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરી હતી.