ઘોઘંબા વેલકોતર ગામ પોતાની પત્ની સાથે ખાવા બનાવવાની નાની એવી વાતમાં દંપત્તી વચ્ચે ઝધડો થતા પત્નીને ગાળો બોલતા હતા. સામે રહેતા પાડોશીએ તેના ઘરે આવીને ગાળો બોલવાનું ના કહેતા પાડોશી સાથે જાતિવાચક શબ્દો બોલતા મારામારીના હિચકારા હુમલામાં પતિને ઇજા પહોચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો હતો. રવિવારે મૃત્યુ થતા સોમવારે મૃતદેહ ગામમાં લવાતા ભારેલા અગ્નિ જેવી સ્થિતીને લઇને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. મૃતકના પરિવારજનોએ રાજગઢ પોલીસ મથકે પાડોશી સામે હત્યા અને એટ્રોસીટીનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘોઘંબાના વેલકોતર ગામના મંદિર ફળીયામાં રહેતો અને હાલોલમાં કલરની ફેક્ટરીમાં કામ કરતા શૈલેષભાઈ સોમાભાઈ ડામોર બે સંતાનો સાથે હાલોલ રહેતા હતા. તા.5 જાન્યુઆરીના રોજ પોતાના વેલ કોતર ગામમાં પોતાના ધરે આવતા સાંજે જમવાનું બનાવવાની બાબતમાં પોતાની પત્ની સાથે ઝઘડો થયો હતો. અને બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી થતા સામે રહેતા લક્ષ્મણભાઈએ ગાળો ના બોલશો કહીને વચ્ચે પડતા અને જાતિવાદક શબ્દો બોલતા બંને વચ્ચે મારામારી થઈ હતી. જેમાં લક્ષ્મણભાઈના પુત્રો પણ હાથમાં લાકડું અને ડોલ લઈને આવી શૈલેષભાઈને પકડી માથાના ભાગમાં માર મારતા તેમને ગંભીર હાલતમાં લોહી લુહાણ કરી દીધા હતા. અને તાત્કાલિક શૈલેષભાઈને ઘોઘંબા રેફરલ બાદ ગોધરા સિવિલ લઈ જવાયા હતા.
પરંતુ વધુ સારવારની જરૂર જણાતા વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે મોડી સાંજે વડલદરા ખાતે તેમનું મૃત્યુ થતાં પીએમ બાદ સોમવારે નાનકડા એવા વેલકોતર ગામમાં શૈલેષભાઈનો મૃતદેહ આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. અને લોકટોળા એકત્ર થતા રાજગઢ પોલીસ સ્ટેશન દ્વારા વેલકોતર ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. હાલમાં ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સોમવારે મૃતક શૈલેષ ડામોરના પરિવારજનોએ લક્ષ્મણભાઈ સામે રાજગઢ પોલીસ મથકે એટ્રોસિટી તેમજ હત્યાની ફરીયાદ નોંધાવતા રાજગઢ પોલીસ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.