હાલોલમાં ઉતરાયણના તહેવારની ઉજવણી પહેલાં જ એક કરુણ ઘટના સામે આવી છે. રાહતલાવ ગામના પરેશભાઈના 5 વર્ષીય પુત્ર કુણાલનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મૃત્યુ થયું છે.
ઘટના મુજબ, પરેશભાઈ તેમના પુત્ર કુણાલને મોટરસાઇકલ પર બેસાડીને પનોરમા ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની મોટરસાઇકલ આગળ પતંગની દોરી આવી ગઈ, જે આગળ બેઠેલા કુણાલના ગળામાં ભરાઈ ગઈ. દોરી ઘસાવાથી બાળકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું.
ગંભીર ઈજાગ્રસ્ત કુણાલને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું મૃત્યુ નીપજ્યું.
ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મૂક્યું હતું. સમગ્ર પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટના અંગે હાલોલ શહેર પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે