દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર નગરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ગામમાં લાયસન્સધારી નાણાં ધીરધાર કરનાર કરનાર વેપારીને ત્યાં નકલી ઈન્કમટેક્ષ ઓફિસર બની આવેલા ચાર ઈસમોએ વેપારીની દુકાનમાં દરોડો પાડવાનું નાટક કરી મામલો રફેદફે કરવા માટે રૂપીયા ૨૫ લાખની માંગણી કરી હતી જે પેટે વેપારીએ ડરથી રૂપીયા બે લાખ આપી દીધાં અને બાદમાં આ નકલી ઈન્કમટેક્ષના માણસો હોવાનું વેપારીને જણાઈ આવતાં વેપારી દ્વારા તાત્કાલિક નજીકના પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે ચાર પૈકી બે ઈસમોને ઝડપી પાડ્યાંનું જ્યારે બે ઈસમો ફરાર થઈ ગયાં હોવાનું જાણવા મળે છે. દાહોદ જિલ્લામાં નકલીની બોલબાલા વચ્ચે હવે નકલી ઈન્કમટેક્ષના ઓફિસરો પણ ફરતાં હોવાના આ બનાવને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં એકપછી એક જાણે નકલી કચેરીઓ, નકલી બિન ખેતી હુકમો, નકલી કર્મચારીઓ સામે આવી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર તેમજ લાંચીયા સરકારી બાબુઓ સામે આવી રહ્યાં છે. તેનાથી અંદાજાે લગાવી શકાય છે કે, આદિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લામાં કેટલાંક મોટા પ્રમાણમાં ભષ્ટાચાર થઈ રહ્યો છે. હવે તો હદ થઈ દાહોદના ફતેપુરાના સુખસર નગરમાંથી નકલી ઈન્કમટેક્ષ ઓફિસર ઝડપાતાં સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ફતેપુરાના સુખસર નગરમાં મેઈન બજારમાં રહેતાં અને પોતાનાજ વિસ્તારમાં લાયસન્સથી નાણાં ધીરધારનો વેપાર કરતાં અલ્પેશભાઈ ઉકારભાઈ પ્રજાપતિની દુકાનમાં ગત તા.૧૦મી જાન્યુઆરીના રોજ બપોરના ૨ વાગ્યાના આસપાસ ચાર જેટલા નકલી ઈન્કમટેક્ષ ઓફિસર બનીને આવેલા જેમાંથી ભાવેશ બીપીનચંદ્ર આચાર્ય (રહે. અમદાવાદ), અબ્દુલ સુલેમાન (રહે. દાહોદ) તથા તેમની સાથે અન્ય બે મળી કુલ ચાર ઈસમોએ અલ્પેશભાઈની દુકાને આવ્યાં હતાં અને કહેવા લાગેલ કે, અમો ઈન્કમટેક્ષ ઓફિસર છીએ, તમારી દુકાન અને ઘર સર્ચ કરવાનું છે, તમારી વિરૂધ્ધ અરજી આવેલ છે, તેમ કહી, આ ઈસમોએ દુકાનમાં મુકી રાખેલ દાગીના તપાસ કરતાં હતાં ત્યારે નકલી ઈન્કમટેક્ષ ઓફિસર બનીને આવેલા ઉપરોક્ત ચારેય ઈસમોએ દાગીના જપ્ત નહીં કરવા રૂપીયા ૨૫ લાખની માંગણી કરી હતી પરંતુ અલ્પેશભાઈએ જણાવેલ કે, પોતાની પાસે આટલા નાંણા ન હોવાનું જણાવતાં અલ્પેશભાઈએ પોતાની પાસે રહેલ રૂપીયા ૨ લાખ રોકડા ઉપરોક્ત નકલી ઈન્મટેક્ષ બનીને આવેલા ઈસમોને આપી દીધાં હતાં. ત્યાર બાદ અલ્પેશભાઈ ઉપર પોતાના સંબંધીનો ફોન આવેલ કે, તમારી દુકાને જે માણસો આવેલ છે તે નકલી ઈન્કમટેક્ષના માણસો છે, તેમ જણાવતાં અલ્પેશભાઈ સુખસર પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચી ગયાં હતાં. ત્યારે સુખસર પોલીસે ત્યાર બાદ તપાસનો ધમધમાટ આરંભ કરી નકલી ઈન્કમટેક્ષ ઓફિસર બનીને આવેલા ચાર પૈકી ભાવેશ બીપીનચંદ્ર આચાર્ય અને અબ્દુલ સુલેમાનને ઝડપી પાડ્યાં હતાં.
આ સંબંધે અલ્પેશભાઈ ઉકારભાઈ પ્રજાપતિએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણનો મામલો હજી થમ્યો નથી ત્યા તો સુખસરમાં નકલી ઈન્કમટેક્ષ ઓફિસર ઝડપાતાં દાહોદ જિલ્લાની પ્રજામાં અનેક સવાલો ઉભા થવા માંડ્યાં છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો હોવાથી અહીંની ભોળી ભાળી પ્રજાને અન્ય જિલ્લાઓમાંથી આવતાં લોકો તેમજ ખાસ કરીને સરકારી બાબુઓ જિલ્લાની પ્રજાને પોતાનો શિકાર બનાવી પોતાની રોકડી કરી લેતાં હોય છે. દાહોદમાં જિલ્લામાં ગતરોજ ફતેપુરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રૂપીયા પાંચ હજારની લાંચ લેતાં મહીસાગર પોલીસના હાથે ઝડપાયા હતાં ત્યાં તો બીજા દિવસે ફતેપુરાના નજીકના સુખસર ગામમાંથી નકલી ઈન્કમટેક્ષ ઓફિસર બનીને આવેલ ઈસમો ઝડપાતાં દાહોદ જિલ્લાનો વિકાસ કંઈ દિશામાં જઈ રહ્યો છે તે કહેવુ હાલ અશ્ક્ય છે. કારણ કે, એક તરફ સરકારી બાબુઓ ટ્રાયબલ વિસ્તારમાંથી ગ્રાંન્ટના નામે પોતાની રોકડી કરી રહ્યાં છે તો બીજી તરફ આવા નકલી પ્રકરણો બાદ હવે માસ્ટર માઈન્ડો પણ પોતાની રોકડી કરી લેવા માટે દાહોદ જિલ્લાને પસંદ કરતાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર મામલે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હવે ટ્રાયબલ વિસ્તાર તરીકે ગણાતાં દાહોદ જિલ્લા માટે કોઈ દિશા, નિર્દેશ નક્કી કરે અત્યંત આવશ્યક છે.