ગાંધીનગરના સરગાસણનાં દંપતીને 200 કરોડના મની લોન્ડરિંગના સ્કેમમાં સંડોવણી હોવાનો ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કરી અઢી લાખ રૂપિયા ઠગાઈ આચરનાર સાયબર ગેંગના સુરેન્દ્રનગરના બે શખસને ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે ગણતરીના કલાકમાં જ દબોચી લેવામાં આવ્યા છે. બંને જણા ફ્રોડની રકમનું બે ટકા કમિશન લઈને બેંક એકાઉન્ટની સગવડ ઊભી કરી આંગડિયા મારફત પૈસા આગળ મોકલી આપતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
56 FIRની નકલો મોકલી ગાંધીનગરના સરગાસણનાં દંપતીને અલગ નંબરથી વ્હોટસએપ કોલ તેમજ વીડિયો કોલ કરી તેમના ખાતામાં 200 કરોડ જમા થયાનું જણાવી નવી દિલ્હી ખાતે નોંધાયેલી 56 એફઆઇઆરની નકલો મોકલીને પોલીસ અધિકારી/પોલિટિશિયન/બેંકકર્મચારી પણ સામેલ હોવાનો કારસો રચી 24 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી અઢી લાખની ઠગાઈના ગુનામાં ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે બે શખસોને ઝડપી લીધા છે. ગાંધીનગરના સરગાસણના વિજયભાઈ વિશ્વકર્મા અને તેમનાં પત્નીને ત્રીજી જાન્યુઆરીએ સાંજના સાડાપાંચ વાગ્યાથી બીજા દિવસે સાંજના સાડાછ વાગ્યા પછી સીધા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનો કારસો રચી ડિજિટલ અરેસ્ટ કરી લેવાયાં હતાં. સાયબર ઠગોએ અજાણ્યા ઈન્ટરનેશનલ નંબરથી ફોન કર્યો હતો. બાદમાં મોબાઇલ હેક કરી લઈ વ્હોટ્સઅપ કોલ – વીડિઓ કોલ કરી મની લોન્ડરિંગ કેસમાં 56 FIR કમ્પ્લેનની નકલો મોકલી આપવામાં આવી હતી.
દંપતીને સતત 24 કલાક ટોર્ચર કર્યું આ સ્કેમમાં પોલીસ અધિકારી/પોલિટિશિયન/બેંકકર્મચારી પણ સામેલ હોવાનું કહી સઘળી વાત કૉન્ફિડેન્ટલ રાખવાની સૂચના પણ આપી હતી અને ઇડી/સી.બી.આઇ/સુપ્રીમ કોર્ટના લેટરપેડના કાગળો મોકલી આપ્યા હતા. દંપતીને હાઉસ અરેસ્ટ કરી રાત્રિના સમયે પણ સતત વીડિયો કોલ તથા લાઇટ ચાલુ રાખવાની ફરજ પાડી બેંક એકાઉન્ટ સહિતની વિગતો મેળવી લેવાઈ હતી. સતત 24 કલાક સુધી દંપતીને માનસિક ટૉર્ચર કરવામાં આવ્યું હતું, જેને પગલે વિજયભાઈ ભેજાબાજોના કહેવા મુજબના બેંક એકાઉન્ટમાં અઢી લાખ RTGSથી ટ્રાન્સફર કરી દીધા હતા. આ મામલે ગુનો દાખલ થતાં એસપી રવિ તેજા વાસમશેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ રાકેશ ડામોર સહિતની ટીમે ગણતરીના કલાકમાં ટેક્નિકલ સોર્સના માધ્યમથી ભાવેશ મનોજભાઈ નિમાવત (ઉં.વ.26, રહે, શેરી નં-13 મહાલક્ષ્મી મંદિરની પાસે, જોરાવરનગર, સુરેન્દ્રનગર) તેમજ યશ સુભાષભાઇ દંગી (ઉં.વ.28 રહે. શેરી નં 8, એમ.જી.રોડ, સ્કૂલ નં-7ની પાસે, જોરાવરનગર, સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી લેવાઈ છે.
બંને આરોપી ફ્રોડની રકમનું બે ટકા કમિશન લેતા આ અંગે પીઆઇ ડામોરે જણાવ્યું હતું કે ભાવેશ – યશ ઓનલાઇન ગેમિંગ સટ્ટાની લત ધરાવે છે. તેઓ દોઢેક મહિનાથી વર્ચ્યુઅલી સાયબર ઠગોના સંપર્કમાં આવ્યા હતા. બન્નેને સેવિંગ – કરન્ટ બેંક એકાઉન્ટોમાં ગેમિંગ તથા જીએસટીના પૈસા આવશે એમ જણાવી અલગ- અલગ બેંક એકાઉન્ટમાં આવેલી રકમનું પોતાનું 2 ટકા કમિશન કાપી આંગડિયા મારફત આગળ મોકલી આપવાનું કામ સોંપાયું હતું, જેથી દોઢેક મહિનાથી તેમણે પરિચિત બેંક હોલ્ડરોને પૈસાની લાલચ આપી અંદાજિત 40-45 જેટલા સેવિંગ તથા કરન્ટ બેંક એકાઉન્ટો ખોલાવેલાં હતાં.
આરોપીઓના રિમાન્ડમાં વધુ વિગત સામે આવશે વધુમાં બંને વર્ચ્યુઅલ નંબર/ઇન્ટરનેશનલ નંબર થકી સાયબર ઠગોના સંપર્કમાં રહેતા હતા. તેમના ફોનમાંથી મળી આવેલાં બેંક એકાઉન્ટો વિરુદ્ધમાં ગુજરાત રાજ્ય સિવાય પ.બંગાળ/તેલગણા/ બિહાર/કર્ણાટક/દિલ્હી/કેરળ/પંજાબ/તામિલનાડુ/મહારાષ્ટ્ર NCCRP પોર્ટલ પર ફરિયાદો પણ દાખલ થયેલી હોવાનું સામે આવ્યું છે. અત્યારસુધીમાં બે ટકા કમિશન લઈને 30 કરોડ આંગડિયા મારફત સાયબર ઠગોને મોકલી આપવામાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે. ઉપરોક્ત કિસ્સામાં વિજયભાઈએ જેમાં પૈસા RTGS કર્યા એના અડધો કલાકમાં તો બંનેએ ખાતામાંથી પૈસા વિડ્રો કરી આંગડિયા મારફત આગળ મોકલી પણ દીધા છે. બંનેના રિમાન્ડ દરમિયાન વધુ હકીકત જાણવા મળશે.