શેરમાર્કેટમાં રોકાણના નામે છેતરપિંડી:દાહોદ સાયબર ક્રાઈમે 68.82 લાખ પડાવનાર ટોળકીને સુરતથી ઝડપી, વોટ્સએપથી એપ ડાઉનલોડ કરાવી હતી

દાહોદ શહેરના એક શખસને વોટ્સએપ મારફતે લિંક મોકલી મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઉંચા વળતર આપવાની લાલાચ આપી રૂ. 68,82,000/-નું રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર 5 ઈસમોને દાહોદ સાયબર ક્રાઈમ પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.

દાહોદમા થોડા દિવસો અગાઉ એક વ્યક્તિને શેર માર્કેટમાં ટ્રેડિંગમાં રોકાણ પર ઉંચા વળતર આપવાની લાલચ આપી ઠગોએ રૂપિયા 68,82,000/-ની છેતરપિંડી આચરી હોવાની ઘટના બનવા પામી હતી, આ મામલે દાહોદના સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફ્રોડના ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે સઘન તપાસોના આદેશો સાથે આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે દાહોદની સાયબર ક્રાઈમ પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપતાં દાહોદની સાયબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો.

જેમાં ઘટના પ્રમાણે ફરીયાદીને આરોપીઓ દ્વારા વોટ્‌સએપ ઉપર એક લિંક મોકલી હતી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ માટે ઉંચા વળતરની લાલચ આપી હતી. જે લાલચમાં આવીને ફરિયાદીએ અલગ અલગ સમયે આરોપીઓના ખાતાઓમાં રૂપીયા 68,82,000/- જમા કરાવી રોકાણ કર્યુ હતુ, થોડા દિવસો બાદ આરોપીઓ ડાઉનલોડ કરાવેલી એપ્લિકેશનમાં કુલ રૂ.1,83,58,583/-નું બેલેન્સ બતાવતાં ફરીયાદી દ્વારા આ રૂપિયા ઉપાડવા જતા એપ્લિકેશનમાંથી નહિ ઉપડતા રોકાણ કરનાર શખસે આરોપીઓનો સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે આ બેલેન્સ ઉપાડવા વધુ 40,00,000/-નું રોકાણ કરવા જણાવ્યું હતું, ત્યારે ફરીયાદીને પોતે છેતરાયો અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું મામલુ પડ્યું હતું અને ફરિયાદી દ્વારા આ મામલે દાહોદની સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દાહોદ સાયબર ક્રાઈમ પોલીસે ઝીણવટપુર્વક તપાસ કરી ટેકનિકલ એનાલીસીસ કરી આરોપીઓ સુરત ખાતે હોવાની માહિતિ મળતા દાહોદ પોલીસે સુરત ખાતે ધામા નાંખ્યા હતાં અને આ ફ્રોડ કરનાર રમેશ ચના કતારીયા, નરેશ હિમ્મત સુરાણી, ચીરાગ જયસુખ લક્કડ, કિશન કમલેશ કાછડીયા અને અર્પીત લાભુ નાવડીયા (તમામ રહે. સુરત)ને ઝડપી પાડી દાહોદ પોલીસ મથકે લઈ આવ્યાં હતાં. આ સંબંધે દાહોદ સાયબર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.