પરસ્ત્રી સાથે રહેતો પતિ રંગેહાથ ઝડપાયો : RTO ઈન્સપેક્ટર પતિ ફ્લેટમાં અન્ય સ્ત્રી સાથે હતો ત્યારે જ ફોરેસ્ટ અધિકારી પત્નીએ પોલીસ સાથે પહોંચી હોબાળો કર્યો

સુરત શહેરમાં પતિ, પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. સુરત RTOમાં ફરજ બજાવતા એક ઈન્સપેક્ટર પરિણીત હોવા છતા પોતાની પત્નીને મૂકી અન્ય સ્ત્રી સાથે રહેતો હોવાનો ફોરેસ્ટ અધિકારી પત્નીએ આક્ષેપ કર્યો છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ફ્લેટમાં ઈન્સપેક્ટર પતિ આજે એક યુવતી સાથે હતો ત્યારે જ પત્ની પોલીસને લઈ ત્યાં પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો. પોલીસે પતિ અને તેની સાથે મળી આવેલી યુવતીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી. કેશવનગર વિસ્તારમાં પતિ, પત્ની અને વોના કિસ્સાના કારણે ભારે ચકચાર મચી હતી.

સુરત શહેરના કેશવનગર વિસ્તારમાં જે હોબાળો મચ્યો હતો તેમાં જે પતિ છે તે RTOમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેની પત્ની ફોરેસ્ટ વિભાગમાં અધિકારી છે. ઘરકંકાશના કારણે દંપતી અલગ અલગ રહેતા હોવાનું સામે આવ્યું છે. તેની વચ્ચે આજે પત્નીએ કેશવનગર વિસ્તારના એક ફ્લેટમાં યુવતી સાથે રહેલા તેના પતિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો.

શું છે વાઈરલ વીડિયોમાં? સુરતના એક ફ્લેટમાંથી પતિને અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં પત્નીની સાથે પોલીસકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. પોલીસ જ્યારે પતિને લઈને બહાર આવે છે ત્યારે પતિ પોતાની કારમાં બેસવાનો પ્રયાસ કરે છે પરંતુ, પત્ની તેની ચાવી લઈ લેવા પોલીસને અરજ કરે છે અને પોલીસવાનમાં જ પતિને બેસાડવાની માગ કરતા પોલીસ પોતાના જ વાહનમાં પતિને બેસાડી દે છે. આ સમયે RTO ઈન્સપેક્ટર પતિ પણ પોલીસ અને તેની પત્ની સામે દલીલ કરતો જોવા મળી રહ્યો છે. પોલીસની હાજરીમાં પતિ, પત્ની વચ્ચે સર્જાયેલા આ ઝઘડાના કારણે આસપાસના લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

દંપતીના પાંચ વર્ષ પહેલા લગ્ન, ચાર વર્ષનો એક બાળક મળતી માહિતી પ્રમાણે આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે. આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે. પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. બંનેના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. આ લગ્ન ગાળામાં બંનેનો એક ચાર વર્ષનો દીકરો પણ છે.

દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂક્યાનો પતિ પર આક્ષેપ આ મામલે ફોરેસ્ટ અધિકારી પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. આજે મેં તેમને ઉમરા વિસ્તારના કેશવ નગરમાં આવેલા એક ઘરમાંથી તેમને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. મારા પતિ દ્વારા મને ચાર વર્ષના દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂકી છે. મને ન્યાય મળે તે માટે હું ઉમરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે આવી છું. મારા પતિને મેં ઘણી વાર સમજાવ્યા છે છતાં પણ તેઓ સમજી રહ્યા જ નથી.

વધુમાં જણાવ્યું હતું કે, હું મારા પતિ વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માંગુ છું. મેં તેમને ઘણીવાર સમજાવ્યા પણ તેઓ સમજી રહ્યા નથી અને તેઓ મને કહી રહ્યા છે કે તારે જે કેસ કરવા હોય તે કરી દે. હું આની જોડે જ રહેવાનો. તારે જે કરવું હોય તે કરી લે. જેથી હું તેમની સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા આવી છું. ઉમરા પોલીસને હું રજૂઆત કરીશ કે હું નીચા સમાજની છું એવું કહીને મને બહુ ટોર્ચર કરવામાં આવી છે. આ સાથે માર પણ મારવામાં આવ્યો છે. મારા સાસુ સસરા દ્વારા પણ મને માર મારવામાં આવ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે, મને એક વર્ષથી હેરાન કરવામાં આવી રહી છે. મારા ચાર વર્ષના દીકરા સાથે મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. હું પરત જવા ઈચ્છું અને ઘરે જાવ તો મને પરત કાઢી મુકવામાં આવે છે. આ માનસિક ત્રાસથી કંટાળીને મેં અડાજણ પોલીસમાં અરજી પણ કરી હતી ત્યારે તેમણે માફી માંગીને સમાધાન કરી લીધું હતું. જોકે ત્યારબાદ ફરી જૈસે થે જેવી સ્થિતિ બની ગઈ હતી. સમાધાન થઈ ગયા બાદ પણ બે મહિના ભાડેથી રહેવા ગયા હતા ત્યાં પણ મને મારવામાં આવ્યો હતો.

ફોરેસ્ટ અધિકારી પત્નીએ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી વધુમાં જણાવ્યું હતું કે, મારા સસરા દ્વારા પણ મને મેસેજ કરવામાં આવ્યો હતો કે તારા પિયર સાથે કોઈ સંપર્ક રાખવો નહીં અમારા દ્વારા મારવામાં આવે તો તે સહન કરી લેવાનું અને પોલીસમાં કોઈ ફરિયાદ કે એટ્રોસિટીનો કેસ કરવાનો નહીં આ પ્રકારનો મેસેજ કરીને અમારી સાથે રહેવું હોય તો જ રહેવા આવજે. સો રૂપિયાના સ્ટેમ્પ પર સહી કરવાની અને સાક્ષીઓની પણ સહી કરવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. આ બાબતે મેં મનાઈ કરતા મારા પતિ દ્વારા મને મારવામાં આવી હતી અને ત્યારબાદ મેં સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ કરાવી હતી.

શું કહી રહી છે પોલીસ? આ મામલે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ કેવી પટેલે જણાવ્યું હતું કે 100 નંબરમાં કોલ કરીને પીસીઆર વાન બોલાવવામાં આવેલી હતી. ત્યારબાદ મહિલાની ફરિયાદ આધારે તેમના પતિને ઉમરા પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા. આ મામલે મહિલા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં નિવેદન પણ નોંધાવવામાં આવ્યું છે. તેમાં તેમણે હાલ કોઈ મારામારી કે તકરાર થઈ હોવાનું જણાવ્યું ન હતું. જોકે તેમના ચાલતા અગાઉના તકરાર અને માર મારવા અંગે જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે તેવું જણાવી રવાના થયા છે. તેમના પતિને પણ ઉમરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા જોકે હાલ તેમના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરવાની હોવાથી તેમને પણ રવાના કરવામાં આવ્યા છે.