છેલ્લા 12 કલાકથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 6 જાન્યુઆરી સોમવારે સાંજે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પાર્ટીના નેતાનું પદ પણ છોડી દીધું હતું. રાજીનામું આપતા પહેલા તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, હું આગામી ચૂંટણી માટે સારો વિકલ્પ નથી.
ટ્રુડોએ કહ્યું કે, ‘જો મારે ઘરઆંગણે લડવું પડશે તો આવનારી ચૂંટણીમાં હું શ્રેષ્ઠ વિકલ્પ નહીં બની શકું. તેમણે પોતાને એક સારો યોદ્ધા ગણાવ્યો. કહ્યું કે તે કેનેડિયનો વિશે ખૂબ કાળજી રાખે છે. હું હંમેશા કેનેડિયનોના ભલા માટે કામ કરીશ.’
રિપોર્ટ અનુસાર, PM ટ્રુડો જ્યાં સુધી તેમના અનુગામીની પસંદગી ન થાય ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહેશે. તેમનો કાર્યકાળ ઓક્ટોબર હતો. રાજીનામા બાદ ટૂંક સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે. તેઓ નવેમ્બર 2015થી 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા.
ટ્રુડોએ કેમ રાજીનામું આપવું પડ્યું?
- ટ્રુડો પર તેમની લિબરલ પાર્ટીના સાંસદો દ્વારા કેટલાક મહિનાઓથી રાજીનામું આપવાનું દબાણ હતું. જેના કારણે ટ્રુડો એકલા પડી રહ્યા હતા.
- કેનેડાના ડેપ્યુટી પીએમ અને નાણા મંત્રી ક્રિસ્ટિયાએ સોમવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ક્રિસ્ટિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા શુક્રવારે તેમને નાણામંત્રી પદ છોડીને અન્ય મંત્રાલયનો હવાલો લેવા માટે કહ્યું હતું, જેનાથી નારાજ થઈને ક્રિસ્ટિયાએ કેબિનેટમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે લખ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ટ્રુડો અને તેઓ નિર્ણયો પર સહમત ન હતા. ક્રિસ્ટિયા લાંબા સમયથી ટ્રુડોના સૌથી વિશ્વાસુ અને વફાદાર મંત્રી માનવામાં આવે છે. તાજેતરમાં ક્રિસ્ટિયાએ ટ્રુડો દ્વારા નાગરિકોને મફતમાં 15,000 રૂપિયા આપવા સાથે અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેનેડા અમેરિકામાં નિકાસ પર ટેરિફના જોખમનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વધારે ખર્ચ કરવાથી બચવું જોઈએ. આ સિવાય પાર્ટીના 152 સાંસદોમાંથી મોટાભાગના તેમના રાજીનામા માટે દબાણ કરી રહ્યા હતા.
- ટ્રુડોના પક્ષના 24 સાંસદોએ ઓક્ટોબરમાં જાહેરમાં તેમના રાજીનામાની માગ કરી હતી. આ સિવાય અંગત મીટિંગમાં પણ ઘણા લોકોએ તેમને પદ છોડવાની માગ કરી છે.
ટ્રુડો પાસે હાલમાં બહુમતી નથી કેનેડાની સંસદ, હાઉસ ઓફ કોમન્સમાં લિબરલ પાર્ટી પાસે 153 સાંસદો છે. કેનેડિયન હાઉસ ઓફ કોમન્સમાં 338 સીટો છે. આમાં બહુમતનો આંકડો 170 છે. ગયા વર્ષે ટ્રુડો સરકારના સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) એ તેમના 25 સાંસદોનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. NDP એ ખાલિસ્તાની તરફી કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહની પાર્ટી છે.
જોડાણ તૂટવાને કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે, 1 ઓક્ટોબરે યોજાયેલ બહુમત પરીક્ષણમાં ટ્રુડોની લિબરલ પાર્ટીને અન્ય પક્ષનો ટેકો મળ્યો હતો. જેના કારણે ટ્રુડોએ ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. ટ્રુડોની વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી પાસે 120 બેઠકો છે.
જો કે, ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહે PM ટ્રુડો વિરુદ્ધ ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. જગમીત સિંહે ગયા મહિને કહ્યું હતું કે, તેઓ આવતા મહિને લઘુમતી લિબરલ સરકારને તોડી પાડવા માટે પગલાં લેશે જેથી દેશમાં નવી ચૂંટણીઓ યોજી શકાય. કેનેડામાં 27 જાન્યુઆરીથી સંસદીય કાર્યવાહી શરૂ થશે.
ટ્રુડો સામે નારાજગી કેમ? સતત વધી રહેલી મોંઘવારીને કારણે ટ્રુડો સામે કેનેડિયનોમાં નારાજગી છે. આ સિવાય ટ્રુડો કેનેડામાં કટ્ટરવાદી દળોનો ઉદય, ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અને કોવિડ-19 પછી સર્જાયેલી પરિસ્થિતિને કારણે કેટલાક સમયથી રાજકીય પડકારોનો સામનો કરી રહ્યા છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં હાથ ધરવામાં આવેલા ઇપ્સોસ સર્વેક્ષણમાં ફક્ત 28% કેનેડિયનોએ કહ્યું કે, ટ્રુડોએ ફરીથી ચૂંટણી લડવી જોઈએ. એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, ટ્રુડોનું એપ્રુવલ રેટિંગ ઘટીને 30% થયું છે. બીજી તરફ તેને નાપસંદ કરનારા લોકોની સંખ્યા 65% સુધી પહોંચી ગઈ છે.
દેશમાં થયેલા અનેક સર્વે અનુસાર જો કેનેડામાં ચૂંટણી થાય તો કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતી મળી શકે છે, કારણ કે વધતી મોંઘવારીથી જનતા પરેશાન છે.
કેનેડામાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે વડાપ્રધાન પદ માટે 2025માં કેનેડામાં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓ ઓક્ટોબર પહેલા યોજવામાં આવશે. વડા પ્રધાન ટ્રુડોએ કહ્યું કે તેઓ આગામી ચૂંટણી લડવા માટે લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરવાની યોજના ધરાવે છે. જોકે, પાર્ટીના ઘણા નેતાઓ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ટ્રુડોને પસંદ નથી કરી રહ્યા.
ટ્રુડો ચોથી વખત વડાપ્રધાન પદનો દાવો કરી રહ્યા છે. કેનેડામાં છેલ્લા 100 વર્ષમાં કોઈ પણ વડાપ્રધાન સતત ચાર વખત ચૂંટણી જીત્યા નથી. ટ્રુડોની લિબરલ પાર્ટી પાસે પોતાના દમ પર સંસદમાં બહુમતી નથી.
ભૂતપૂર્વ વડા પ્રધાન પિયર ટ્રુડોના મોટા પુત્ર જસ્ટિન ટ્રુડો 2013માં લિબરલ પાર્ટીના વડા બન્યા હતા. આ પછી, તેમણે 2015 માં પ્રથમ વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ ઉદારવાદી નેતા તરીકે પોતાની ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા હતા.
લિબરલ પાર્ટીમાં ટ્રુડોનું સ્થાન લઈ શકે છે મેલાની જોલી જો ટ્રુડો રાજીનામું આપે છે, તો લિબરલ પાર્ટીના મુખ્ય પડકાર સામૂહિક અપીલ ધરાવતા નેતાને શોધવાના રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લિબરલ પાર્ટીમાં વિદેશ મંત્રી મેલાની જોલી, ડોમિનિક લેબ્લેન્ક, માર્ક કાની જેવા ઘણા નામ છે જે ટ્રુડોનું સ્થાન લઈ શકે છે.
લિબરલ પાર્ટીના ટોચના નેતાની પસંદગી કરવા માટે ખાસ સંમેલન બોલાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણા મહિનાઓ લાગે છે. જો લિબરલ પાર્ટીમાં કોઈ સ્થાનિક નેતા ન હોય અને દેશમાં ચૂંટણી થાય તો તેનાથી તેમને નુકસાન થઈ શકે છે.
કેનેડા સાથે ભારતના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો હતો ભારત અને કેનેડાના સંબંધોમાં લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. સપ્ટેમ્બરમાં જસ્ટિન ટ્રુડોએ 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટની ‘સંભવિત’ સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, જે પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો અત્યંત તંગ બની ગયા હતા. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યા હતા.