રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન એમ્બ્યુલન્સને મળ્યો માર્ગ, લોકોએ કર્યા વખાણ

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન એક એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઇને લોકો રાહુલ ગાંધી અને કોંગ્રેસની સંવેદનશીલતાના વખાણ કરી રહ્યા છે.આ વચ્ચે ભાજપ આ વીડિયોને એક સ્ટંટ ગણાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વડાપ્રધાન મોદીના રોડ શો દરમિયાન પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા.

રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રા દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો આપતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એવા ઘણા લોકો છે જેઓ કહી રહ્યા છે કે, આ વાસ્તવિક વીડિયો છે, જેમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી ખરેખર રસ્તો આપી રહ્યા છે, તેઓ વડાપ્રધાન મોદી જેમ પબ્લિસિટી સ્ટંટ નથી કરી રહ્યા.

વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં જે રીતે એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવ્યો તેને કોંગ્રેસ સ્ટંટ ગણાવી રહી છે. કોંગ્રેસના તમામ નેતાઓ વીડિયો શેર કરીને દાવો કરી રહ્યા છે કે, એમ્બ્યુલન્સ પહેલાથી જ હતી, તે લાંબા સમય સુધી ઉભી રહી, બાદમાં જ્યારે વડાપ્રધાન મોદીનો રોડ શો પૂરો થયો, ત્યારે એમ્બ્યુલન્સને જવા દેવામાં આવી અને તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીનો ગુરુવારના રોજ અમદાવાદમાં મેગા રોડ શો થયો હતો, જેમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સને વડાપ્રધાન મોદીના કાફલામાં જવા દેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેની મજાક ઉડાવી હતી.

કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ જણાવ્યું હતું કે, મારી બે માંગ છે, વડાપ્રધાન મોદીની સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ, તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ માત્ર સંયોગ નથી.

કોંગ્રેસના અન્ય નેતા રામેશ્ર્વરે કહ્યું કે, આખરે વડાપ્રધાન મોદીની રેલીમાં આ એમ્બ્યુલન્સ વારંવાર કેવી રીતે આવી જાય છે. આખરે આ માટે જવાબદાર કોણ, સુરક્ષા એજન્સી કે પીઆર એજન્સી.