91ની ઉંમરે આશા ભોંસલેનું રોકિંગ પર્ફોર્મન્સ:’તૌબા-તૌબા’ ગાયું અને હૂક સ્ટેપ કર્યું, સિંગર કરણ ઔજલાએ કહ્યું- મારા કરતાં પણ સારું પર્ફોર્મ કર્યું

હિન્દી સિનેમાનાં સૌથી સિનિયર ગાયિકાઓમાંનાં એક આશા ભોંસલેએ તાજેતરમાં સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું હતું. પર્ફોર્મન્સની ખાસ વાત એ હતી કે આશા ભોંસલેએ તેમનાં ક્લાસિક ગીતો ઉપરાંત નવા જમાનાનું ટ્રેન્ડિંગ ગીત ‘તૌબા-તૌબા’ ગાયું અને બધાને ચોંકાવી દીધા. દુબઈના કોન્સર્ટમાંથી સામે આવેલો 91 વર્ષનાં આશા ભોંસલેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

આશા ભોંસલેના પર્ફોર્મન્સનો વીડિયો ‘કડક એફએમ’ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. બ્લેક અને વ્હાઈટ સાડીમાં આશા ભોંસલેએ વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી અભિનીત ફિલ્મ ‘બેડ ન્યૂઝ’નું ગીત ‘તૌબા તૌબા’ ગાયું હતું. થોડા સમય પછી, તેમણે માઈક છોડી અને ગીતનું હૂક સ્ટેપ પણ કર્યું, જેને જોઈને પ્રેક્ષકો પાગલ થઈ ગયા હતા.

આશા ભોંસલેનો વીડિયો સામે આવતાંની સાથે જ વાઈરલ થયો હતો. આ પછી, ‘તૌબા તૌબા’ના સિંગર કરણ ઔજલાએ ઈમોશનલ થઈ તેના પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, ‘સંગીતની જીવંત દેવી આશા ભોસલેજી. તેમણે હમણાં ‘તૌબા તૌબા’ ગીત ગાયું, જે એક ગામમાં ઉછરેલા બાળક દ્વારા લખવામાં આવ્યું હતું, જેને ન તો સંગીતની પૃષ્ઠભૂમિ વિશે સમજ હતી કે ન તો સંગીતનાં સાધનોની કોઈ સમજ હતી. આ ગીત એક છોકરા દ્વારા બનાવવામાં આવ્યું હતું જે કોઈ પણ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વિશે જાણતો ન હતો.’

રણ ઔજલાએ આગળ લખ્યું, ‘આ ગીતને ઘણો પ્રેમ અને ઓળખ મળી છે. માત્ર ચાહકોએ જ નહીં પરંતુ ઘણા મ્યૂઝિક કલાકારોએ પણ તેને પસંદ કર્યું છે. પરંતુ આ ક્ષણ ખરેખર આઇકોનિક છે, જેને હું ક્યારેય ભૂલીશ નહીં. હું ખરેખર આભારી છું. આનાથી મને વધુ સારા ગીત બનાવવા અને સાથે મળીને કામ કરવાની પ્રેરણા મળી છે.’

આગળની પોસ્ટમાં, આશા ભોંસલેનો વીડિયો શેર કરતી વખતે, કરણે લખ્યું, ‘મેં આ ગીત 27 વર્ષની ઉંમરે લખ્યું હતું પણ તેમણે 91 વર્ષની ઉંમરે મારાં કરતાં વધુ સારું ગાયું છે.’