ચાલુ વાહનમાંથી ખાદ્ય તેલની ચોરી :સુરતમાં ચાલુ ટેમ્પોમાંથી ચોરે 15 લીટરનો ડબ્બો સેરવી લીધો; અન્યમાં તેલનું બોક્સ લઈ શખસ રોડ વચ્ચે ઉતરી ગયો

સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે. તેઓ ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટંટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરી કરે છે. તાજેતરમાં સામે આવેલી બે ઘટનાએ ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટર્સને ચોંકાવી દીધા છે.

રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોર એક ચાલતા ટેમ્પાની પાછળ ચડીને તેમાંથી 24 લીટર તેલના બે બોક્સ ચોરી કરી જતા દેખાયો. આ બોક્સમાં કુલ 12-12 લીટર તેલના પાઉચ હતા. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે, કેવી રીતે ચોર આરામથી ટેમ્પો પર ચડી અને બોક્સને ઉપાડી તેને લઈને ભાગે છે.

બીજા કિસ્સામાં રાંદેરમાં એક કારચાલકે ચાલતા ટેમ્પોની પાછળ ચઢી રહેલા ચોરનો વીડિયો પોતાના ફોનમાં શૂટ કર્યો હતો. ચોર ચાલતા ટેમ્પોની પાછળથી 15 લીટરનો તેલનો ડબ્બો ચોરીને લઈ જતો હતો. કારચાલકે જ્યારે તેને પીછો કર્યો, ત્યારે ચોર ડરાઈને તેલનો ડબ્બો રસ્તા પર મૂકી નાસી ગયો હતો. આ કિસ્સો વીડિયોના આધારે ઝડપથી વાઈરલ થયો છે.

ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે આ ઘટના વિશે જણાવતાં કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી ટેમ્પોમાંથી તેલ ચોરી થવાની ફરિયાદો મળી રહી હતી. આઠથી વધુ ફરિયાદ અમને દુકાનદારો તરફથી મળી, પરંતુ પુરાવા ન હોવાના કારણે અમે પોલીસ ફરિયાદ કરી નહોતી. અમને સમજાતું નહોતું કે કેવી રીતે આ ચોરી થઈ રહી છે. પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે હવે સ્પષ્ટ થયું છે કે આ ચોરી એ ખરેખર એક આયોજનબદ્ધ ગતિવિધિ છે.

ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે વધુમાં જણાવ્યું કે, આ પ્રકારની ચોરી માટે ચોર ટેમ્પોના ગોડાઉન પર નજર રાખે છે. જ્યારે ટેમ્પો ખાદ્ય તેલ લઈને નીકળે છે, ત્યારે તે તેના પાછળ રેકી કરે છે. ટ્રાફિક સિગ્નલ કે ધીમી ગતિએ ચાલતા ટેમ્પો તેમને અનુકૂળ રહે છે અને ત્યાંથી તેઓ આરામથી ચોરી કરી લે છે. આવા બનાવો માત્ર ખાદ્ય તેલની ઉંચી કિંમતને કારણે નથી, પરંતુ ટેમ્પો ડ્રાઈવરોને અજાણતામાં રાખીને ચોરી કરવાનું આ એક નવો પ્રયોગ છે, જે હવે ચિંતાનો વિષય બની ગયો છે.

સુરતના ખટોદરા, પાંડેસરા, ચોક અને રાંદેર પોલીસ મથકમાં ખાદ્ય તેલની એજન્સીઓ દ્વારા આ પ્રકારની ચોરીના કિસ્સાઓની ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આ વીડિયો ફૂટેજના આધારે ચોરોને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે.