‘મને માફ કરજો આ ઉંમરે તમારી સેવા ના કરી શક્યો’:મિત્રએ આપેલી લોનની પઠાણી ઉઘરાણીથી કંટાળી વેપારીનો સુસાઇડ નોટ લખી આપઘાત

અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી એક વેપારીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. વેપારીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી સુસાઇડ નોટ લખી હતી કે, ‘SORRY મમ્મી-પપ્પા આ ઉંમરે હું તમારી સેવા ના કરી શક્યો, મારા ગયા પછી સ્ટે્ટસ મુકી દેજો’. 4 લાખની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરના વ્યાજ સહિત પૈસા ચૂકવી દીધા બાદ પણ હેરાન કરી માનસિક ત્રાસ આપતા અંતે વેપારીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. વેપારીની સુસાઇડ નોટ આધારે ઘાટલોડિયા પોલીસે આપઘાતના દૂષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા એક વેપારીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. વેપારીએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર જીભાઈ દેસાઈના માનસિક ત્રાસથી આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વ્યાજખોર વેપારીના મિત્ર જ હતા જેમના માનસિક ત્રાસથી હતાશ થઈ ગયેલા વેપારીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનામાં ઘાટલોડિયામાં ભાવિન સોસાયટીમાં રહેતા વેપારી અતુલભાઈ ભટ્ટે 27 સપ્ટેમ્બરના રોજ પોતાના નિવાસસ્થાને ઝેરી દવા પી લીધી હતી. જે બાદ અતુલભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન 25 ડિસેમ્બરના રોજ મોત નીપજ્યું હતું.

પીલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક અતુલભાઈ ભટ્ટ શેરબજાર અને હીરા દલાલીનું કામ કરતા હતા. ધંધામાં પૈસાની જરૂરિયાત હોવાથી પાડોશમાં રહેતા મિત્ર જીભાઈ દેસાઈને વાત કરી હતી. આરોપીએ મદદ કરવાના નામે વ્યાજે રૂ. 4 લાખ આપ્યા હતા અને ત્યાર બાદ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. આરોપી વારંવાર ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા. તે દરમિયાન વેપારીની ચેક પર સહીઓ કરાવી દીધી હતી અને વેપારીએ વ્યાજ સહિત પૈસા ચૂકવ્યા બાદ પણ પૈસાની ઉઘરાણી કરીને હેરાન કરતા હતા.

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી કે, ‘હું અતુલ લક્ષ્મી શંકર ભટ્ટ મારી જાતે મારી આત્મહત્યા કરું છું, જિંદગીથી હારી ગયો છું, કોઈ રસ્તો નહીં દેખાતા આત્મહત્યા કરું છું. જીભાઈએ મારી પર 138નો ખોટો કેસ કર્યો છે, મેં એમને મૂળ રકમ 4 લાખ હતી જે મૂડી અને વ્યાજ સહિત ચૂકવી દીધી તો પણ તેણે મારી સહીનો દૂરઉપયોગ કરીને 14 લાખના 2 ચેક લખાવી લીધા હતા, SORRY મમ્મી-પપ્પા આ ઉંમરે હું તમારી સેવા ના કરી શક્યો, મારા ગયા પછી સ્ટે્ટસ મુકી દેજો’. આ શબ્દો વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરનાર વેપારીએ તેની સુસાઈડ નોટમાં લખ્યા હતા.

ઘટનાના દિવસે પણ વ્યાજખોર જીભાઇ દેસાઈ મૃતકના ઘરે આવ્યો હતો અને પૈસાની ઉઘરાણી કરી હતી. મૃતક અતુલભાઈ ભટ્ટને કહ્યું હતું કે, હું તને રૂપિયા આપુ તું ઝેર પીને મરી જા, જો ઝેર ના પી શકે તો હું તારું ખૂન કરી જેલ ભોગવવા તૈયાર છું, હું સાંજે પૈસા લેવા આવું છું રૂપિયા તૈયાર રાખ જે અને જો ઝેર પીને મરી જઈશ તો પણ આ ઘર તો મારું જ છે. જેથી વેપારીએ કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. જે મામલે ઘાટલોડિયા પોલીસે જીભાઈ દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.