ક્રિસમસ પર રશિયાએ સમગ્ર યુક્રેન પર હુમલો કર્યો:78 મિસાઇલો, 106 ડ્રોન છોડ્યા; ઝેલેન્સકીએ કહ્યું- પુતિન માણસ નથી

રશિયાએ 25 ડિસેમ્બરે યુક્રેનના અનેક શહેરોમાં હવાઈ હુમલા કર્યા હતા. યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયાએ ક્રિસમસ પર 78 મિસાઇલ અને 106 ડ્રોન છોડ્યા હતા. જેમાં 21 લોકો ઘાયલ થયા છે જ્યારે 1નું મોત થયું છે.યુક્રેનના મીડિયા અનુસાર સૌથી મોટો હુમલો ખાર્કિવ શહેર પર કરવામાં આવ્યો હતો. આ સિવાય ડીનિપ્રો, ક્રેમેન્ચુક, ક્રિવી રિહ અને ઇવાનો-ફ્રેન્કિવસ્ક પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. અહીં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, રશિયાએ બ્લેક સીમાંથી આ મિસાઈલો છોડી હતી. ખાર્કિવના ગવર્નરે જણાવ્યું હતું કે રશિયાએ તેમના શહેર પર ઓછામાં ઓછી 7 મિસાઇલો છોડી હતી, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ યુક્રેનના ઘણા શહેરોમાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેને ‘અમાનવીય’ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પુતિન માનવી નથી. હુમલા માટે તેઓએ જાણી જોઈને ક્રિસમસનો દિવસ પસંદ કર્યો. તે જ સમયે, યુક્રેનની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપની ડીટીઇકેએ કહ્યું કે યુક્રેનની ઊર્જા પ્રણાલી પર રશિયાનો આ 13મો મોટો હુમલો છે.

રશિયાએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના હોમ ટાઉન ક્રીવી રિહ પર પણ મિસાઈલ હુમલો કર્યો છે. એક એપાર્ટમેન્ટને બેલેસ્ટિક મિસાઇલ દ્વારા અથડાવવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 15 ઘાયલ થયા હતા. તે જ સમયે, યુક્રેનના અન્ય શહેર ડિનિપ્રો પર મિસાઇલ હુમલા થયા હતા.

રશિયાએ આ વર્ષે 190થી વધુ યુક્રેનિયન વસાહતો પર કબજો કરવાનો દાવો કર્યો છે. તે જ સમયે, યુક્રેન દારૂગોળો અને સૈનિકોની અછતથી પીડાઈ રહ્યું છે.દરમિયાન, આગામી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં સત્તા સંભાળ્યા પછી યુદ્ધ સમાપ્ત કરવાનું વચન આપ્યું છે. જોકે, તેમણે આ માટે કોઈ નક્કર યોજના જાહેર કરી નથી.

અગાઉ, રશિયન વાયુસેનાએ કહ્યું હતું કે તેઓએ 24-25 ડિસેમ્બરની રાત્રે 59 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે યુક્રેનિયન હુમલા અંગે ચેતવણી આપી છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે યુક્રેનની સરકાર નાગરિકોને નિશાન બનાવી રહી છે.

લવરોવે ચેતવણી આપી હતી કે જો યુક્રેનનો હુમલો ચાલુ રહેશે તો રશિયા વધુ કડક પગલાં લેશે. આ પહેલા 21 ડિસેમ્બરે યુક્રેને 8 ડ્રોન વડે રશિયન શહેર કઝાન પર હુમલો કર્યો હતો. તેમાંથી 6 હુમલા રહેણાંક મકાનો પર થયા હતા. કાઝાન શહેર રશિયાની રાજધાની મોસ્કોથી 720 કિલોમીટર દૂર છે.

યુક્રેને શુક્રવારે પણ રશિયાની કુર્સ્ક બોર્ડર પર અમેરિકન મિસાઇલો છોડી હતી. જેમાં 6 લોકોના મોત થયા હતા. ત્યાર બાદ તરત જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું.