મૃતક સિરિયલ કિલર ભૂવા સામે ટ્રિપલ મર્ડરની ફરિયાદ:માતા-પિતા અને દીકરીની હત્યા કરી નવલસિંહે દૂધરેજ નર્મદા કેનાલમાં લાશો ફેંકી હતી

વઢવાણના હત્યારા ભૂવા નવલસિંહના મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં હત્યારા નવલસિંહ ભૂવાએ સુરેન્દ્રનગરની ત્રણ વ્યક્તિની હત્યા કરી દૂધરેજ નર્મદા કેનાલમાં તેમની લાશ ફેંકી દીધી હતી. એમાં ફરિયાદી ભાવિક પાટડિયાના પિતા દીપેશ પાટડિયા, માતા પ્રફુલાબેન અને બહેન ઉત્સવીની ભૂવા નવલસિંહે હત્યા કરી હતી. એ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસમાં મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તપાસમાં કોઈપણ કડી ન મળી, ભૂવાનું લોકેશન આસપાસ હતું આ મામલે તાંત્રિક વિધિમાં માતા-પિતા અને પુત્રીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં નવલસિંહ ભૂવા દ્વારા હત્યા બાદ દૂધરેજ નર્મદા કેનાલમાં ત્રણેયની લાશ ફેંકી દેવામાં આવી હતી. એમાં હત્યા બાદ પોલીસ તપાસમાં કોઈપણ કડી મળી નહોતી, પરંતુ નવલસિંહ ભૂવાનું લોકેશન બનાવના સ્થળની આસપાસ હોવાનું ખૂલવા પામ્યું હતું. ત્યારે આજે મૃતકના પુત્ર ભાવિક દીપેશ પાટડિયા દ્વારા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે નવલસિંહ ભૂવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે.

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ સુરેન્દ્રનગરના વઢવાણ મોટા પીર ચોક રોડ પર શિયાણી પોળમાં રહેતા નવલસિંહ કનુભાઈ ચાવડાએ ફરિયાદી ભાવિક દીપેશ પાટડિયાના પિતા દીપેશ પાટડિયા, માતા પ્રફુલાબેન પાટડિયા અને બહેન ઉત્સવી પાટડિયાને વિધિ કરવાના બહાને મૂળચંદ ગામ પાસે નર્મદા કેનાલ ઉપર બોલાવી તેમને વિધિના બહાને પાણીમાં સોડિયમ પાઉડર પીવડાવી બેભાન કરી ત્રણેયના મોબાઈલ ફોન અને ઘરેણાં લઇ કેનાલમાં ધક્કો મારી પાણીમાં ડુબાડીને મોત નિપજાવ્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવ અંગે વઢવાણ કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ દ્વારા આ કેસની વધુ તપાસ સુરેન્દ્રનગર બી ડિવિઝનના પીઆઇ એમ.એચ.પઠાણ ચલાવી રહ્યા છે.

મૃતક દીપેશ પાટડિયાએ બેંકમાંથી ઉપાડેલા રૂ. 6 લાખ, સોનાના દાગીના અને મોટરસાઇકલનો આજદિન સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી. આ બનાવ અંગે ફરિયાદી ભાવિક દીપેશ પાટડિયાએ જણાવ્યું હતું કે મારા પિતા બનાવના દિવસે લઇ ગયેલા મોટરસાઇકલ, તેમણે પહેરેલા સોનાનાં ઘરેણાં અને બેંકમાંથી બે વખતમાં ઉપાડેલા રૂ. 6 લાખનો આજદિન સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાવિક પાટડિયાએ આઇપીસી કલમ 302, 328 મુજબ નવલસિહ કનુભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. આ કામના ફરિયાદીના પિતા દીપેશભાઈ તથા માતા પ્રફુલાબેન તેમજ બહેન ઉત્સવી ત્રણેયને વિધિ કરવાના બહાને મૂળચદ ગામ પાસે નર્મદા કેનાલ ઉપર બોલાવીને વિધિના બહાને પાણીમાં સોડિયમ પાઉડર પીવડાવી બેભાન કરી તેમનાં મોબાઇલ ફોન તથા ઘરેણાં લઇ કેનાલમા ધક્કો મારી ડુબાડી દઈ મોત નીપજાવી ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

તાંત્રિક વિધિના નામે ચાર ગણા પૈસા કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર તાંત્રિકનું મોત નીપજ્યું હતું. પાંચ દિવસ પહેલાં ધરપકડ કરાયેલી તાંત્રિક નવલસિંહ ચાવડા રિમાન્ડ પર હતો. આ દરમિયાન તેની તબિયત લથડી અને અચાનક મૃત્યુ થયું હતું. જોકે ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે તાંત્રિક આરોપીએ ઠગાઈની સાથે-સાથે સોડિયમ નાઇટ્રેટથી 12 મર્ડર કર્યાની કબૂલાત કરી હતી, જેમાં ત્રણ તો પરિવારના જ લોકો હતા. સરખેજ પોલીસે ૩ ડિસેમ્બરના રોજ નવલસિંહ ચાવડાને અરેસ્ટ કર્યો હતો. એ બાદ કોર્ટે રિમાન્ડ મંજૂર કરતાં 10 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર હતો.

7 ડિસેમ્બરે તાંત્રિકનું મોત થયું હતું. ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે 42 વર્ષીય તાંત્રિક નવલસિંહની કસ્ટોડિયલ ડેથને લઈને તપાસ કરાશે. આરોપી નવલસિંહની સવારે તબિયત બગડતાં 108 દ્વારા સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો અને અહીં તેનું મોત થયું છે. આરોપીએ અત્યારસુધી 12 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીએ તેના પરિવારમાંથી જ દાદી, માતા અને કાકાની હત્યા કરી હતી. આરોપી છેલ્લાં 12 વર્ષથી આ રીતે હત્યા કરતો હતો અને તે સુરેન્દ્રનગરની લેબમાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદતો હતો.

વધુમાં ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરમાં તાંત્રિક નવલસિંહ ચાવડાનો આશ્રમ હતો અને તે ભૂવા તરીકે કામ કરતો હતો. આ સાથે આરોપી વઢવાણના આવેલા મઢમાં દોરા-ધાગા પણ કરતો હતો. નવલસિંહ લોકોને પોતાનો શિકાર બનાવ્યા બાદ સોડિયમ નાઇટ્રેટ પાણીમાં અથવા તો દારૂમાં આપતો હતો, જેથી વ્યક્તિનું 20 મિનિટમાં જ મોત થતું. આ વ્યક્તિના પીએમ રિપોર્ટમાં મોત પાછળનું કારણ હાર્ટ-એટેક સામે આવ્યં હતું.