અઝરબૈજાનથી રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ : ક્રૂ સહિત 72 લોકો સવાર હતા, રનવે પર પડતા જ આગ લાગી; ક્રેશ પહેલા ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી

બુધવારે સવારે કઝાકિસ્તાનના અક્તાઉમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. ન્યૂઝ એજન્સી રોઇટર્સે કઝાક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, પ્લેનમાં 67 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર હતા. જેમાંથી 25 લોકોને બચાવી લેવાયા છે. જેમાંથી 22 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના પક્ષીઓના ટોળા સાથે અથડાવાને કારણે થઈ છે.

આ અકસ્માતમાં 42 લોકોના મોતની આશંકા છે. વિમાન અઝરબૈજાનથી રશિયાના ચેચન્યા પ્રાંતની રાજધાની ગ્રોઝની જઈ રહ્યું હતું, પરંતુ તેણે કઝાક શહેર અક્તાઉથી લગભગ 3 કિમી દૂર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

એજન્સીઓના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટનો રૂટ બદલવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રેશ થતા પહેલાં પ્લેને એરપોર્ટના અનેક ચક્કર લગાવ્યાં હતાં. પાઈલટે એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગની પરવાનગી પણ માગી હતી.

જોકે, બાદમાં તેને એરપોર્ટ નજીકના બીચ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ક્રેશ થયેલું પ્લેન અઝરબૈજાન એરલાઈન્સનું એમ્બ્રેર 190 મોડલ હતું. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ક્રેશ થઈ રહ્યું છે અને તેમાં આગ લાગી છે. BBCના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ છે.