પોલીસ-બુટલેગરની જય-વીરુ જેવી મિત્રતા:હેડ કોન્સ્ટેબલે પોતાના જ ઘરે થર્ટી ફસ્ટનો સ્ટોક સંતાડ્યો, LCBને કહ્યું- ‘ભાઇબંધની શરમમાં દારૂનો જથ્થો મૂકવા દીધો

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીના અમલીકરણની જવાબદારી પોલીસના શિરે છે, પરંતુ પેટલાદના એક પોલીસ હેડ કોન્સ્ટેબલે પોતાના બુટલેગર મિત્રનો વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરમાં સંતાડી રાખી દારૂબંધીના લીરેલીરા ઉડાવવાની સાથે સાથે ખાખી વર્દી ઉપર કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે. ત્યારે આણંદ LCB પોલીસે આ હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમી મળતાં LCBએ રેડ કરી આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં આવેલા કલાલ પીપળમાં રહેતો મોહસીનિયા લિયાકતિયા ઉર્ફે એલ.કે. મલેક બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેના માણસો મોઇનિયા મુનાફમિયા મલેક અને તોસીફ ઉર્ફે રાજુ અનવરમિયાં મલેક (બંને રહે. શેરપુરા, પેટલાદ) મારફતે પેટલાદ-સુણાવ રોડ પર રંગાઇપુરા, પંચવટી પાર્ક, વાડિયા વિસ્તારમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ જશભાઈ મકવાણાના ઘરે ઉતારેલ હોવાની બાતમી આણંદ LCB પોલીસને મળી હતી.

LCB પોલીસને બાતમી મળતાં ટીમે બાતમી મુજબના મકાનમાં દરોડો પાડી સુનિલ જશભાઈ મકવાણાની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે મકાનની તલાશી લેતાં દાદર નીચે બનાવેલા ખાનામાંથી, ઉપરના માળે ગેલેરીના ભાગે છત તરફ જવાની લોખંડની સીડી નીચે પ્લાસ્ટિકના પીપમાં તેમજ રૂમમાં સેટી પલંગની બાજુમાંથી કુલ રૂપિયા 3 લાખ 63 હજાર 360ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 240 નંગ બોટલો મળી આવી હતી.

22 ડિસેમ્બરે દારૂનો જથ્થો ઉતાર્યો હતો પોલીસે આ દારૂના જથ્થા બાબતે પકડાયેલા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, બુટલેગર મોહસીનિયા લિયાકતિયાનાં માણસો મોઇનિયા મુનાફર્મીયા મલેક અને તોસીફ મલેક ગત તારીખ 22 ડિસેમ્બરના રોજ મોડી રાત્રીના સમયે સફેદ કલરની સ્વિફ્ટ ગાડી લઈને મારા ઘરે આવ્યા હતા અને આ વિદેશી દારૂનો જથ્થો બે-ત્રણ દિવસ માટે કોઈને વહેમ ના જાય તે માટે મારા ઘરે સાચવવા મૂકવા કહ્યું હતું. તેઓ મારા સારા મિત્ર થતા હોવાથી મેં શરમમાં મારા ઘરે આ દારૂનો જથ્થો મૂકવા દીધો હોવાનું કબૂલ્યું છે. જેના આધારે પોલીસે પકડાયેલા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણા તેમજ દારૂનો જથ્થો આપનાર મોહસીનિયા લિયાકતિયા મલેક, મોઇનમિયાં મુનાફમિયા મલેક અને તોસીફ મલેક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત બુટલેગર મોહસીનિયા લીયાકતિયા મલેકે પેટલાદના કાજીવાડામાં રહેતાં સિદ્દીકોદ્દીન ઉર્ફે મુન્ના ઉર્ફે ગંધાતો ઝહીરોદ્દીન કાજીના મકાનમાં પણ વિદેશી દારૂ ઉતાર્યો હોવાની બાતમી આણંદ LCB પોલીસને મળી હતી. જેથી પોલીસે આ સિદ્દીકોદ્દીન કાજીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી રૂપિયા 1 લાખ 95 હજાર 59ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 139 નંગ બોટલો મળી આવી છે. જેથી પોલીસે આ સિદ્દીકોદ્દીન કાજી વિરુદ્ધ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.