પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ એરસ્ટ્રાઈકમાં પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં કરવામાં આવી છે. આ એરસ્ટ્રાઈકમાં મહિલાઓ અને બાળકો સહિત 15 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર એરસ્ટ્રાઈકમાં મૃત્યુઆંક વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અફઘાનિસ્તાન પર આ એરસ્ટ્રાઈકમાં ઘણાં ગામોને પણ નિશાન બનાવવામાં આવ્યાં છે. જો કે, પાકિસ્તાની અધિકારીઓએ હજુ સુધી આ એરસ્ટ્રાઈકની સત્તાવાર પુષ્ટિ કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની ફાઈટર જેટ્સે અફઘાનિસ્તાનના વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. આ હવાઈ હુમલામાં મોટાપાયે વિનાશ થયો છે. પાકિસ્તાની એરસ્ટ્રાઈક બાદ આ વિસ્તારમાં તણાવ ઘણો વધી ગયો છે.
પાકિસ્તાનના આ હુમલા બાદ તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે બર્મલ પર હુમલા બાદ વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. તાલિબાને એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અફઘાનિસ્તાનને તેની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હુમલાની નિંદા કરતા તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે પાકિસ્તાની ફાઇટર જેટ દ્વારા બોમ્બમારો કરવામાં આવેલા વિસ્તારોમાં વઝીરિસ્તાનના શરણાર્થીઓ પણ સામેલ હતા.
પાકિસ્તાનના આ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 15 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. મૃત્યુ પામેલાઓમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જ્યારે ઘણા ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે. જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ એરસ્ટ્રાઈકને કારણે સારવાર દરમિયાન ઘણા લોકોના મોત પણ થઈ શકે છે.
ખામા પ્રેસે અહેવાલ મુજબ પાકિસ્તાની તાલિબાન અથવા તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ હાલમાં પાકિસ્તાની દળો પર તેના હુમલામાં વધારો કર્યો છે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યા છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારેઝમીએ પાકિસ્તાની દાવાઓને નકારી કાઢ્યા અને ટ્વિટર પર પોસ્ટ કર્યું કે હવાઈ હુમલામાં વઝીરિસ્તાનના શરણાર્થીઓ માર્યા ગયા છે.
ખ્વારેઝમીએ જણાવ્યું હતું કે હુમલામાં કેટલાંય બાળકો અને અન્ય નાગરિકો શહીદ થયાં હતાં અને ઘાયલ થયાં હતાં, જોકે જાનહાનિનો કોઈ સત્તાવાર આંકડો આપવામાં આવ્યો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે વઝીરિસ્તાન શરણાર્થીઓ નાગરિકો છે જેઓ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં લશ્કરી કાર્યવાહીને કારણે વિસ્થાપિત થયા હતા. જો કે, પાકિસ્તાનનું કહેવું છે કે TTPના ઘણા કમાન્ડરો અને લડવૈયાઓ અફઘાનિસ્તાન ભાગી ગયા છે, જ્યાં તેમને સરહદી પ્રાંતોમાં અફઘાન તાલિબાન દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે.