ઇઝરાયલે કહ્યું- અમે હમાસ ચીફ હાનિયાને ઉડાવી દીધો:હત્યા બાદ પ્રથમ વખત કબૂલ કર્યુ; જુલાઈમાં ઈરાનમાં બોમ્બ બ્લાસ્ટમાં હાનિયા માર્યો ગયો હતો

ઇઝરાયલે પહેલીવાર સ્વીકાર્યું છે કે તેણે હમાસના પૂર્વ ચીફ હાનિયાની હત્યા કરી હતી. ઇઝરાયલના રક્ષા મંત્રી કાત્ઝે સોમવારે એક નિવેદન દરમિયાન આની પુષ્ટિ કરી હતી. હુથી વિદ્રોહીઓના હુમલા અંગેના નિવેદનમાં રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે જેમ અમે હાનિયા અને સિનવારને મારી નાખ્યા છે તેવી જ રીતે અમે હુથીઓને પણ મારીશું.

આ વર્ષે 31 જુલાઈના રોજ ઈરાનની રાજધાની તેહરાનમાં હાનિયાની હત્યા કરવામાં આવી હતી. તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝાશકિયાનના શપથ ગ્રહણમાં ભાગ લેવા તેહરાન પહોંચ્યા હતા.ઈરાને કહ્યું હતું કે મિસાઈલ હુમલામાં હાનિયા માર્યો ગયો હતો. જો કે, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાનિયા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો હતો. કતારની રાજધાની દોહામાં 2 ઓગસ્ટે હાનિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે ઇઝરાયલે હાનિયાને તેના મૃત્યુના લગભગ બે મહિના પહેલા મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. અમેરિકન મીડિયા હાઉસ ન્યૂયોર્ક ટાઈમ્સે 2 ઈરાની સહિત મધ્ય પૂર્વના 7 અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી.

રિપોર્ટ અનુસાર, હાનિયાનું મોત બોમ્બ બ્લાસ્ટમાં થયું હતું. તે બોમ્બ બે મહિના પહેલા છુપાવીને તેહરાન ગેસ્ટ હાઉસમાં લગાવવામાં આવ્યો હતો જ્યાં હાનિયા રહેતો હતો. હાનિયાના આવવાની પુષ્ટિ થતાં જ, કેટલાક બહારના વિસ્તારમાંથી રિમોટ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

રક્ષા મંત્રી કાત્ઝે હુથી બળવાખોરોને ઇઝરાયલ પર હુમલો કરવા માટે ભયંકર પરિણામોની ધમકી આપી હતી. કાત્ઝે કહ્યું કે અમે હમાસને હરાવ્યું છે, અમે હિઝબુલ્લાહને હરાવ્યું છે, તેવી જ રીતે અમે હુથી બળવાખોરોને પણ હરાવીશું.

કાત્ઝે હુથિઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉડાવી દેવાની અને તેમના નેતાઓના માથા વાઢી નાખવાની પણ ધમકી આપી હતી. હુતી વિદ્રોહીઓ છેલ્લા એક વર્ષથી ઈઝરાયલ પર રોકેટ અને મિસાઈલ હુમલાઓ કરી રહ્યા છે. આ સિવાય લાલ સમુદ્રમાં ઈઝરાયલના માલવાહક જહાજોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.