ભરૂચ સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આમોદના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શખસે દુષ્કર્મ આચરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ આરોપીએ અગાઉ પણ આ વૃદ્ધા પર જ દુષ્કર્મ આચર્યું હતું. એ ઘટનામાં જામીન મળતાં તે બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધા પર દુષ્કૃત્ય આચરી મારી નાખવાની ધમકી આપી હતી.
એક મહિનામાં બેવાર દુષ્કર્મ આચર્યું આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતાં 72 વર્ષીય વૃદ્ધાને આરોપી શૈલેષ રાઠોડ 15મી ડિસેમ્બરના રોજ સાંજે ખેતરમાં ઝુપડામાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ 22મી ડિસેમ્બરના રોજ પણ ફરીથી સાંજના છ વાગ્યાના અરસામાં વૃધ્ધાને ઝુપડામાંથી બહાર ખેંચી લાવી ખેતરમાં આવેલા બાપુજીની સમાધિ પાસે લઇ જઇ દુષ્કર્મ આચરી આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ અંગે વૃદ્ધાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધાકધમકીનો ગુનો દાખલ કર્યો છે. દુષ્કર્મ આચરી ફરાર થયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ અંગે જંબુસર ડીવાયએસપી પી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે આ આરોપીએ દોઢ વર્ષ પૂર્વે આ વૃદ્ધા પર જ દુષ્કર્મ કર્યું હતું અને એ સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી. એ કેસમાં આરોપીને થોડા દિવસ અગાઉ જ જામીન મળતાં તે જેલમાંથી બહાર આવ્યો હતો, ત્યારે ફરીવાર તેણે આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે. આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી ફરાર આરોપીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ આ તપાસમાં જોડાઇ છે.
16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું સોમવારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું હતું. પીડિતાને 23 ડિસેમ્બરના રોજ બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ICUમાં દાખલ હતી, જેને સોમવારે બપોરે 2 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.