ડેડિયાપાડાના મોસદામાં આવેલી આશ્રમશાળામાં આદિવાસી બાળકો પાસે બાળમજૂરી કરાવાઈ રહી હોવાની એક ઘટના સામે આવી છે, જેમાં નાનાં ભુલકાં પાસે ત્રિકમ અને પાવડાથી મજૂરીકામ કરાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ, આ કામના બદલામાં બાળકોને ચોકલેટ સહિતનાં પ્રલોભનો અપાતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મોસદા આશ્રમશાળા બાળમજૂરીનું કેન્દ્ર બન્યું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું આ રીતે ભણશે ગુજરાત?
આશ્રમશાળા બની બાળમજૂરીનું કેન્દ્ર ડેડિયાપાડાના મોસદામાં આવેલી આશ્રમશાળામાં આદિવાસી બાળકો પાસે બાળમજૂરી કરાવાઈ રહી છે. ત્યારે આ મુદ્દે નર્મદા જિલ્લા આશ્રમશાળા અને જિલ્લા બાળસુરક્ષા અધિકારી સંયુક્ત રીતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે એવી માગ ઊઠી છે. સ્વ.રત્નસિંહ મહિડાએ આદિવાસીઓ શિક્ષિત બને એ માટે આ વિસ્તારમાં આશ્રમશાળાઓ સ્થાપી છે. ત્યારે હાલમાં અહીં આદિવાસી બાળકોની હાલત કફોડી બની છે. આ આશ્રમશાળા હાલ તો બાળમજૂરીનું કેન્દ્ર બની છે એમ કહીએ તો ખોટું નથી.
ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા સંચાલિત ડેડિયાપાડાના મોસદા ખાતે આવેલી મહાત્મા ગાંધી આશ્રમશાળામાં આચાર્યની હાજરીમાં બાળકો પાસે ત્રિકમ અને પાવડા વડે મોટા મોટા ખાડા ખોદાવી પ્લબિંગનું કામ અને બાળમજૂરી કરાવાઈ રહી હોવાની એક અત્યંત દયનીય ઘટના સામે આવી છે. બાળમજૂરી કરાવવી એ એક મોટો ગુનો છે અને એને અટકાવવા માટે સરકાર કમર કસી રહી છે. તો બીજી બાજુ શિક્ષકો જ જ્યારે શાળામાં ભણતાં બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ બાળમજૂરી કરાવી રહ્યા હોય તો એ ખરેખર નિંદનીય કહેવાય. કદાચ આવા જ શિક્ષકોને લીધે આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હોવું જોઈએ એમ કહી શકાય.
કામના બદલામાં ચોકલેટ સહિતનાં પ્રલોભનો મોસદા આશ્રમશાળામાં બાળકો પાસે બાળમજૂરી કરાવવાના બદલામાં ચોકલેટ સહિત અન્ય પ્રલોભનો અપાય છે, શિક્ષકો નિયમિતપણે હાજર રહેતા નથી એવી ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી બાજુ આ આશ્રમશાળા પણ અત્યંત જર્જરિત હાલતમાં છે. ત્યારે આ તમામ મુદ્દે આશ્રમશાળાના આચાર્ય ભૂપેન્દ્ર ત્રિવેદીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો નહોતો.
નર્મદા જિલ્લા આશ્રમશાળા અધિકારી રવીન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે બાળકોને કામ કરાવાય જ નહિ, બાળમજૂરીનો કાયદો લાગે. અમે જર્જરિત આશ્રમશાળાઓ મુદ્દે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને નોટિસ પણ આપીશું. આ બાબતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
‘જવાબદારો સામે કડક પગલાં લેવાશે’ : જિલ્લા બાળકલ્યાણ સમિતિ ચેરમેન આ બાબતે નર્મદા જિલ્લા બાળકલ્યાણ સમિતિ ચેરમેન ભાઈલાલ પરમારે જણાવ્યું હતું કે ભણતાં બાળકો પાસે આવી કામગીરી ન કરાવાય. આ બાબતે લાગતાવળગતા અધિકારીને જાણ કરી અમે અને અમારી ટીમ ત્યાં તપાસ માટે મોકલીશું. કસૂરવારો સામે કડકમાં કડક પગલાં લેવા ભલામણ કરીશું.