સુરતમાં 8 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં:ચોકલેટ આપવાની લાલચ આપી નરાધમ માસૂમને અવાવરું જગ્યાએ લઈ ગયો

સુરત શહેરને ફરી શરમમાં મુકી દેનારી એક ઘટના વેસુ વિસ્તારમાં બની છે, જ્યાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 48 વર્ષીય આરોપી અવાવરું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલાં કરી રહ્યો હતો. જોકે, પડોશમાં રહેતી એક મહિલા દ્વારા સમયસર દાખવેલી સતર્કતા અને સાહસના કારણે આ બાળકી નરાધમની ચુંગાલમાંથી છૂટી શકી અને વધુ મોટી દુર્ઘટના બનતા ટળી હતી. આ મામલે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

સુરતના વેસુ વિસ્તારમાં ગતરોજ (22 ડિસેમ્બર) બપોરના એક વાગ્યાની આસપાસ બિલ્ડિંગની નીચે 8 વર્ષની બાળકી રમી રહી હતી. આ સમયે 48 વર્ષીય શેલાબ યાદવ નામના વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપીને દાદરની અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તે માસુસ બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલાની નજર ત્યાં જતા ચોંકી ઊઠી હતી.

આ દૃશ્ય જોયને મહિલાએ તુરંત જ બાળકીનું નામ લઈ બુમાબૂમ શરૂ કરી દીધી હતી. મહિલાનો અવાજ સાંભળીને બાળકી તુરંત જ નરાધમની પકડમાંથી છૂટી મહિલા પાસે પહોંચી ગઈ હતી. મહિલા દ્વારા ઝડપથી પગલાં ભરાતા નરાધમ 48 વર્ષીય શેલાબ યાદવનું કાવતરું નિષ્ફળ ગયું હતું અને બાળકી પીંખાતી બચી હતી.

DCP આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, મહિલાની સાહસિક પ્રવૃત્તિના કારણે આ ઘટના પોલીસ સુધી પહોંચી છે. આ અંગે બાળકીના માતા-પિતાએ તરત જ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહિલાની સતર્કતાના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. અત્યારે બાળકીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

શેલાબ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહે છે. તે છેલ્લા 10 વર્ષથી વેસુમાં રહેતો હતો અને પથ્થર ઘસવાનું કામ કરે છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા પડોશી મહિલાના સાહસને વખાણવામાં આવી રહ્યા છે. મહિલાની તત્પરતાના કારણે વધુ મોટી દુર્ઘટના ટળી છે.