ટ્રમ્પે ‘શ્રીરામ’ને સોંપી AI પોલિસીની જવાબદારી:21 વર્ષની ઉંમરે ચેન્નઈથી US પહોંચ્યા; માઇક્રોસોફ્ટથી શરૂઆત કરી, મસ્કને બ્લૂ ટિક સબ્સ્ક્રિપ્શનની સલાહ આપી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન મૂડીવાદી શ્રીરામ કૃષ્ણનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કૃષ્ણન અગાઉ માઈક્રોસોફ્ટ, ટ્વિટર, યાહૂ, ફેસબુક અને સ્નેપમાં પ્રોડક્ટ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને તે હવે ડેવિડ ઓ. સાક્સની સાથે કામ કરશે. ટ્રમ્પે ડેવિડને ‘વ્હાઈટ હાઉસ એઆઈ અને ક્રિપ્ટો ઝાર’ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.

ચેન્નાઈના રહેવાસી કૃષ્ણન વ્યવસાયે એન્જિનિયર છે. હાલમાં તે એન્ડ્રીસેન હોરીવિટ્ઝ નામની વેન્ચર કેપિટલ ફર્મમાં ભાગીદાર છે. આ કંપનીને a16z તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે વિઝ્યુઅલ સ્ટુડિયો માટે પ્રોગ્રામ મેનેજર તરીકે 2007માં માઇક્રોસોફ્ટમાં તેની પ્રથમ નોકરી શરૂ કરી. આ પછી તેમણે 2013માં ફેસબુક જોઈન કર્યું. અહીં તેમણે 2016 સુધી પ્રોડક્ટ/બિઝનેસ સ્ટ્રેટેજી સહિત અનેક મહત્ત્વના હોદ્દા પર કામ કર્યું. કૃષ્ણને સ્નેપચેટ સાથે પણ કામ કર્યું હતું, જ્યાં તેમણે કંપનીના IPO પહેલા એડ ટેક પ્લેટફોર્મ બનાવ્યું હતું.

શ્રીરામ કૃષ્ણન સિલિકોન વેલીની ટોચની કંપનીઓમાં કામ કર્યા પછી 2017માં ટ્વિટર સાથે જોડાયા હતા. અહીં કોર કન્ઝ્યુમર પ્રોડક્ટ ટીમનું નેતૃત્વ કર્યું. આ સમયગાળા દરમિયાન તેઓ ટ્વિટર યુઝર વૃદ્ધિમાં 20% વધારો કરવામાં સફળ રહ્યા હતા. તેમણે ટ્વિટરની હોમ ટાઈમલાઈન, નવા યુઝર એક્સપિરિયન્સ, સર્ચ, ડિસ્કવરી અને ઓડિયન્સ ગ્રોથ જેવા મહત્ત્વના કામ કરવાના હતા. તેઓ 2019 સુધી ટ્વિટર સાથે જોડાયેલા રહ્યા અને હોમ પેજને ફરીથી લોંચ કર્યું.

આ સાથે તેમણે યાહૂ કંપનીમાં પણ મહત્ત્વની ભૂમિકાઓ નિભાવી છે. તે બિટ્સકી, હોપિન અને પોલીવર્ક જેવી ઘણી કંપનીઓના બોર્ડમાં પણ રહી ચૂક્યા છે. 2021માં તે એન્ડ્રિસેન હોરીવિટ્ઝમાં જોડાયા. તેઓ ક્લબહાઉસમાં મોટા રોકાણકાર છે. ક્લબહાઉસ એ એક સામાજિક ઑડિયો ઍપ છે જે 2020માં રિલીઝ થઈ હતી.

શ્રીરામે જ ઈલોન મસ્કને બ્લુ-ટિકના બદલામાં પૈસા લેવાનું સૂચન કર્યું હતું. મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી, શ્રીરામ કૃષ્ણને તેના નવા સેટઅપમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે AI સાથે જોડાયેલી અનેક નિયુક્તિઓની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘શ્રીરામ કૃષ્ણન વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસીમાં AI પર સીનિયર પોલિસી એડવાઇઝર તરીકે કામ કરશે. ડેવિડની સાથે શ્રીરામ એઆઈના ક્ષેત્રમાં અમેરિકાનું વર્ચસ્વ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સાથે જ તે વિજ્ઞાન તથા ટેક્નોલોજી પર રાષ્ટ્રીય સલાહકાર પરિષદ સાથે કામ કરીને AI નીતિને આકાર આપવામાં તથા સંકલન કરવામાં પણ મદદ કરશે.

ભારતીય અમેરિકન સમુદાયે કૃષ્ણનના નામાંકનને આવકાર્યું છે. ઈન્ડિયાસ્પોરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ જોશીપુરાએ જણાવ્યું હતું કે, ‘અમે શ્રીરામ કૃષ્ણનને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને અમને ખુશી છે કે તેઓને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસ ખાતે વિજ્ઞાન અને તકનીકી નીતિના કાર્યાલયમાં વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે પસંદ કર્યા છે. શ્રીરામ ઘણા વર્ષોથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સમજદાર વિચારક અને પ્રભાવશાળી વિવેચક છે. જાહેર નીતિ, આંતરરાષ્ટ્રીય બાબતો, રોકાણ અને ટેક્નોલોજીના મિશ્રણમાં ફેલાયેલું તેમનું અગાઉનું કાર્ય તેમને સારી રીતે સેવા આપશે કારણ કે તેઓ આ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં દેશની સેવા કરે છે.

અનેક મોટી કંપનીઓમાં ભજવી ચૂક્યા છે મોટી ભૂમિકા શ્રીરામ કૃષ્ણન વ્હાઇટ હાઉસમાં સિનિયર પોલિસી એડવાઈઝર તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. એ પહેલા શ્રીરામ કૃષ્ણન અનેક મોટી કંપનીઓમાં મહત્ત્વના પદે રહી ચૂક્યા છે જેમાં Microsoft, Twitter, Yahoo!, Facebook અને Snap વગેરેના નામ સામેલ છે. ટ્રમ્પે કહ્યું કે તે David Sacks સાથે કામ કરે જે વ્હાઈટ હાઉસ એઆઈ એન્ડ ક્રિપ્ટો સીઝર હશે.

અમેરિકન લીડરશિપ પર ધ્યાન આપવું પડશે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે શ્રીરામ કૃષ્ણનને આ જવાબદારીની સાથે અમેરિકન નેતૃત્વ પર સતત ધ્યાન રાખવું પડશે. સાથે જ એઆઈ પોલિસી બનાવવા અને તેને લાગુ કરવામાં મદદ કરવાની રહેશે. શ્રીરામે માઈક્રોસોફ્ટમાં તેમની કારકિર્દી વિન્ડોઝ એઝરના સંસ્થાપક સભ્ય તરીકે શરૂ કરી હતી.

ટ્રમ્પે ભારતીય મૂળના લોકોને ઘણી મહત્ત્વની જવાબદારીઓ આપી ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં ભારતીય મૂળના લોકોને ઘણી મહત્ત્વની જવાબદારીઓ આપી છે. જેમાં વિવેક રામાસ્વામી, કશ્યપ કશ પટેલ અને જય ભટ્ટાચાર્યના નામ મોખરે છે. આ સિવાય અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા જેડી વાંસની પત્ની ઉષા વાંસ પણ ભારતીય મૂળની છે. આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તે યુનાઇટેડ સ્ટેટ્સની સેકન્ડ લેડી બનશે.