ગોધરા બહુચર્ચિત મર્ડર કેસ : વધુ એક માથાભારે અને 30થી વધુ ગુનામાં સંડોવાયેલા અનવર હયાતની ધરપકડ

ગોધરા શહેરના સિંગલ ફળિયા વિસ્તારમાં આવેલા મુન્ના ફળિયાની બહાર રોડ ઉપર પાંચ જેટલા માથાભારે શખ્સોએ ચાકુ લોખંડની પાઇપ અને લોખંડનો હથોડો તેમજ તલવાર જેવા મારક હથિયારો સાથે મોહસીન મોહમદ હનીફ ભાગલીયા ઉર્ફે ચૂચલા ઉપરા છાપરી ઘા મારી ગંભીર પ્રકારે ઈજાગ્રસ્ત કરી ફરાર થઈ ગયા હતા.

જોકે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવી અને યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં યુવકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર લેતાં પહેલાં જ યુવકે દમ તોડ્યો હતો. જેથી ગોધરા બી ડિવિઝન પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા અને 30થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા અનવર હયાતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોધરાના સિંગલ ફળિયા વિસ્તારમાં બહુચર્ચિત મર્ડરના કેસમાં ગોધરા બી ડિવિઝન પોલીસે વધુ એક માથાભારે અને 30થી વધુ ગુનામાં સંડોવાયેલા અનવર હયાતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરા બી ડિવિઝન પોલીસે અનવર હયાતને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. આ ચકચારી પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર જેટલા આરોપીની ધરપકડ કરી છે. ત્યારે મોહસીન મોહમદ હનીફ ભાગલીયા ઉર્ફે ચૂચલા મર્ડર કેસમાં સંડોવાયેલા અનવર હયાત ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. જેમાં હત્યાની કોશિશ મારામારી પશુની હેરાફેરી ઉપરાંત મિલકત સંબંધિત 30થી વધુ ગુનાઓ અનવર હયાત સામે નોંધાયેલા છે.