શુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઇવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એલપીજી ગેસથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 8 લોકો જીવતા ભૂંજાયા અને 35 લોકો દાઝી ગયા હતા. ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી. ટેન્કરમાંથી બહાર આવ્યા બાદ ગેસ 200 મીટર સુધી ફેલાઈ ગયો હતો અને અચાનક આગ લાગી હતી.
આ સાથે સમગ્ર વિસ્તાર આગનો ગોળો બની ગયો હતો.મળતી માહિતી મુજબ, ટેન્કર સવારના સુમારે અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું. સવારે લગભગ 5.44 વાગ્યે, તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ-ટર્ન લઈ રહ્યો હતો. દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં 40થી વધુ વાહનોમાં આગ લાગી હતી. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી. ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ અને હાઇવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરી પણ બળી ગઈ હતી. વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવમાં ઘણી મુશ્કેલી પડી હતી.
ગેઇલ ઇન્ડિયા લિમિટેડના ડીજીએમ (ફાયર એન્ડ સેફ્ટી) સુખાંત કુમાર સિંઘે જણાવ્યું હતું કે ગેઇલની પાઇપલાઇન ઘટના સ્થળથી 100 મીટરના અંતરેથી પસાર થઈ રહી હતી. એલપીજી ભરેલું બીપીસીએલનું ટેન્કર અહીં જઈ રહ્યું હતું. જે લોડેડ કન્ટેનર સાથે અથડાઈ હતી, જેના કારણે એલપીજી પ્રવાહી સ્વરૂપે બહાર આવીને ફેલાઈ ગયું હતું. જેના કારણે સમગ્ર વિસ્તાર આગનો ગોળો બની ગયો હતો.
સુશાંત કુમાર સિંહે જણાવ્યું કે અકસ્માતને કારણે જ્યારે એલપીજી બહાર આવ્યો ત્યારે તેમાં પોતાની જાતે જ આગ લાગી હતી કારણ કે જ્યારે તે અથડાઈ ત્યારે સ્પાર્ક થયો હતો. વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ 30થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, નાયબ મુખ્ય પ્રધાન પ્રેમચંદ બૈરવા અને ઘણા પ્રધાનો અકસ્માત પાછળના કારણો વિશે પૂછપરછ કરવા સ્થળ પર એકઠા થયા હતા.