ગોધરા શહેરમાંથી વાહન અકસ્માતના કેસમાં મેડિક્લેમ મેળવવા માટેનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. ગોધરા તાલુકા પોલીસમથકે નોંધાયેલા અકસ્માતમાં કેસમાં ચાલક તરીકે રજૂ થયેલા ઇસમ દ્વારા અન્ય 24 જેટલા અકસ્માતના કેસમાં પણ મેડિક્લેમમાં ચાલક તરીકે રજૂ થયો હોવાનું વીમા કંપનીની ઉલટતપાસમાં સામે આવતાં ગોધરા તાલુકા પોલીસમથકે બે ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગોધરામાં બજાજ આલિયાંઝ જનરલ ઈનસ્યોરન્સ કંપનીમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતા કલ્પેશકુમાર કાંતિલાલ પ્રજાપતિએ તાલુકા મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં 2016 માં ગોધરાની પંચમહાલ મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ વાહન અકસ્માતના એક કેસમાં બજાજ આલિયાંઝ કંપની નોટિસ મળી હતી. તેમાં અરજદાર જગદીશભાઈ લક્ષ્મણભાઈ બારીઆ હતાં અને સામા પક્ષે ચાલક તરીકે અસલમ મોહંમદ ચુંચલા અને વાહન માલિક તરીકે સીકંદરભાઇ સુલેમાનભાઇ સામદ અને બજાજ એલીયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ હતી. જેમાં જગદીશભાઇ બારીઆ 22 ઓકટોબર 2015 માં તુફાન ગાડીમાં બેસીને ગોધરા તરફ જઈ રહ્યા હતા.ત્યારે ચંચેલાવ ગામે હોટલ વે-વેઇટ સામે તુફાન ગાડી ઉભી રાખી હતી, તે વખતે દાહોદ તરફથી આવેલી કારના ચાલકે પૂરઝડપે હંકારી લાવી તુફાન જીપને પાછળથી ટક્કર મારી હતી, જેમાં તુફાનમાં બેઠેલ જગદીશભાઇ બારીયાને ગંભીર ફેક્ચર સહિતની ઇજાઓ થઇ હતી.તેઓએ આ અકસ્માતને લઇને પંચમહાલના મોટર એક્સીડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ વાહન અકસ્માતનો કેસ દાખલ કરી વીમા કંપની પાસે 3 લાખનું વળતર મેળવવા અરજી કરી હતી. જે કેસના ઇન્વેસ્ટીગેશન માટે બજાજ આલિયાંઝ દ્વારા ખાનગી તપાસ એજન્સીને તપાસ આપી હતી.
જેમાં તપાસ દરમ્યાન માલુમ પડ્યું હતું કે અકસ્માતના બનાવમા પોલીસ દ્વારા અસલમ ચુંચલાને ચાલક તરીકે જ બતાવી પોલીસે અટકાયત કરી હતી. જેમાં ઇન્વેસ્ટીગેશન એજન્સીએ તેઓના રિપોર્ટમાં ચાલક અસલમ ચુંચલા અન્ય અકસ્માતના કેસમાં પણ ચાલક તરીકે હોવાનો ઉલ્લેખ કરી બજાજ આલિયાંઝ માં રિપોર્ટ સબમીટ કર્યો હતો. જેથી બજાજ આલિયાંઝ ના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા આરોપી અસલમ મોહંમદ ચુંચલાના અન્ય ગુનાઓ તેમજ કોર્ટમાં દાખલ થયેલા વાહન અકસ્માતના કેસોની કોર્ટની વેબસાઇટ ઉપર તપાસ કરતા આ આરોપીના પંચમહાલ, દાહોદ, મહીસાગર ના જુદા-જુદા પોલીસ મથકના વાહન અકસ્માતના બનાવોમાં ફગલક તરીકે તેમજ વાહન માલિક તરીકે બતાવ્યો હોવાનું સામે આવ્યું હતું.
જેથી આરોપી બાબતે તપાસ કરતા તે ખોટી રીતે અકસ્માતના કેસના ચાલક તરીકે તથા પોતાના નામનુ વાહન અકસ્માતના બનાવમાં રજુ કરી ખોટી રીતે ચાલક તરીકે ઉભો રહી લોકોને વીમાક્લેઈમ અપાવતો હોવાની માહિતી મળી હતી. જેથી આ અકસ્માતના બનાવમાં ચાલક અસલમ ચુંચલાને પોલીસે અટકાયત કરી હોવાનું બજાજ આલિયાંઝ ને શંકાસ્પદ જણાતા વીમા કંપની દ્વારા રીઇન્વેસ્ટીગેશન માટે એસઆઈટીમા અરજી કરી હતી. આરોપી અસલમ ચુંચલા વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓ પૈકી આરોપી વિરુધ્ધ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના જુદા-જુદા 24 ગુનાની વિગતો સામે આવી હતી. આમ આરોપી અસલમ મોહંમદ ચુંચલા જુદા-જુદા અકસ્માતોના બનાવોમાં ચાલક કે વાહન માલિક તરીકે ખોટી રીતે રજૂ થયો હતો. તેમજ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ અકસ્માતના ગુનામાં પોતે અકસ્માત વાળા વાહનનો ડ્રાઈવર ન હોવા છતાં ખોટી રીતે ડ્રાઈવર તરીકે રજૂ થઈ અકસ્માત થયેલ વાહનના માલિક સીકંદરભાઇ સામદ સાથે મળીને કાવતરું રચીને ખોટી રીતે વીમા ક્લેઈમની રકમ મેળવવા તથા અપાવવાનો ગુનો આચર્યો હોવાની ફરિયાદ ગોધરા તાલુકા મથકે નોંધાઇ હતી.