દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના એક ગામે 17 વર્ષિય સગીરાને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ યુવકના ભાઈએ સગીરાનું અપહરણ કરી પોતાના ભાઈને સોંપી હતી. ત્યારબાદ સગીરા ઉપર તેના પ્રેમીએ સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામ્યો છે.
દેવગઢ બારીઆના એક ગામે રહેતો અનીલ ભોપત પરમાર અને ધાનપુર તાલુકામાં રહેતી એક 17 વર્ષિય સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હતો. ત્યારે ગત તા.26મી નવેમ્બરના રોજ સગીરાના પ્રેમી અનીલના સગાભાઈએ સગીરાને પોતાની મોટરસાઈકલ પર બળજબરીપુર્વક બેસાડી સગીરાનું અપહરણ કરી લઈ જઈ પોતાના ભાઈને સોંપી દીધી હતી, ત્યારબાદ અનીલે પોતાની સગીર વયની પ્રેમીકાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. આ બાદ સગીરા પોતાના ઘરે આવ્યાં બાદ ઉપરોક્ત સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારજનોને કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને આ સંબંધે અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાની માતાએ ઉપરોક્ત બંન્ને ભાઈઓ વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.