સંસદમાં અમિત શાહના બાબાસાહેબ આંબેડકર પરના વિવાદીત નિવેદનને લઈને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે NSUIના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા, જેમની પોલીસે તરત જ અટકાયત કરી હતી. સારંગપુર પાસે ધારાસભ્ય સહિત આગેવાનોએ અમિત શાહના પોસ્ટર હાથમાં લઈ સળગાવ્યા હતા. પોલીસ ધારાસભ્યની અટકાયત ન કરી શકે તે માટે કાર્યકરોએ ચેઇન બનાવી પોલીસને ધારાસભ્યને લઈ જતા રોક્યા હતા.
રાજકોટમાં એક યુવકે કલેક્ટરને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે, જો અમિત શાહ દલિત સમાજની માફી નહીં માગે તો 48 કલાકમાં રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આત્મવિલોપન કરીશ. જ્યારે વડોદરામાં પણ કોંગ્રેસ-NSUIએ હાથમાં બેનરો લઇ અમિત શાહ માફી માગો, પોતાના પદેથી રાજીનામું આપોના સુત્રોચાર સાથે રોડ ચક્કજામ કર્યો હતો. પોલીસે વિરોધ નોંધાવનાર કાર્યકરોની અટકાયત કરી હતી.
સારંગપુર પાસે કોંગ્રેસના ધારાસભ્ય, શહેર પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા અને અમિત શાહના પોસ્ટર હાથમાં લઈ સળગાવવામાં આવ્યા હતા. જે મામલે પોલીસે ધારાસભ્ય સહિત આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કોંગ્રેસની મહિલા કાર્યકરો દ્વાર પણ રોડ ઉપર બેસી વિરોધ કરાતા પોલીસ દ્વારા રોડ પરથી મહિલા કાર્યકરોને હટાવવામાં આવી હતી. ધારાસભ્ય શૈલેષ પરમાર અને કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલની પોલીસ અટકાયત કરવા આવતા કાર્યકરોએ ચેઇન બનાવી પોલીસનો વિરોધ કર્યો હતો અને ધારાસભ્યને લઈ જતા રોક્યા હતા. હાલ તમામ કાર્યકરોની અટકાયત કરીને હેડ ક્વાટર ખાતે લઇ જવામાં આવ્યા છે.
દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર અંગે કરેલી ટિપ્પણી બાદ આજે ગુજરાતમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનની સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં પણ NSUIએ વિરોધ કર્યો હતો જે બાદ હવે ભાજપ પણ મેદાને આવ્યું છે અને આજે સાંજે રાજકોટના કિસાનપરા ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતાબેન શાહની આગેવાનીમાં યુવા ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો. જો કે પોલીસે આ પૂતળા દહન થવા દીધું ન હતું, પરંતુ બાદમાં કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગયા હતા અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને ખોટી રીતે રજૂ કરી કોંગ્રેસે વિરોધ કર્યો છે જેથી અમારી માંગણી છે કે, રાહુલ ગાંધી માફી માગે.
આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદન મામલે ગુજરાત યુનિવર્સિટી બહાર આજે(19 ડિસેમ્બર) NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના વિરોધ અગાઉ જ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસછાવણીમાં ફેરવાઇ ગયો હતો. દાદાસાહેબના પગલા તરફથી NSUIના કાર્યકરો હાથમાં બેનર સાથે વિરોધ માટે આવી રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના ગેટ સુધી કાર્યકરો પહોંચે એ અગાઉ જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી.