અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં લુખ્ખાઓએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હોવાના વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસકર્મીઓને પણ લુખ્ખાઓએ ધક્કો મારી પોલીસવાહનમાં બેસાડી દેતા હોવાના વીડિયો સામે આવ્યા છે. પોલીસની હાજરી ન હોય અને લુખ્ખાઓ મનપડે એ રીતે વર્તે એ તો સમજી શકાય, પરંતુ પોલીસની હાજરીમાં પણ બેફામ વર્તન કરતા હોવાનો વીડિયો વાઈરલ થતાં સવાલો ઊઠ્યા છે. આ મામલે પોલીસે બે લોકોને ઝડપી પાડ્યા છે. જ્યારે આરોપીઓ સામે સમયસર યોગ્ય કાર્યવાહી ન કરી શકનારા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્ત્વોએ તલવાર અને અન્ય હથિયાર હાથમાં રાખીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી. રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયાર વડે આતંક મચાવ્યો હતો. પોલીસની ગાડી પહોંચતાં અસામાજિક તત્ત્વોએ પોલીસકર્મીને હથિયાર બતાવી ગાડીમાં બેસી જવા ઈશારો કરી જબરદસ્તી ગાડીમાં બેસાડ્યા હતા. એટલું જ નહિ, પોલીસની ગાડીમાં પણ હથિયાર વડે તોડફોડ કરી હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રાતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ મામલે બાપુનગર પોલીસે એક અને રખિયાલ પોલીસે એક ફરિયાદ નોધી છે. રખિયાલ પોલીસે સમીર ઉર્ફે ચીકા મહેબૂબ મિયા શેખ નામના આરોપીની ધરપકડ પણ કરી છે, જ્યારે અન્ય ફરાર શખસોની શોધખોળ હાથ ધરી છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પોલીસકર્મીઓને જે દંડો આપવામાં આવ્યો છે એનો ગુનેગાર સામે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો જોઈએ, પરંતુ હાલ જે વીડિયો વાઈરલ થયો છે એમાં તો લુખ્ખાઓ સામે પોલીસકર્મી જ દૂર ખસતા જોવા મળી રહ્યા છે.
અમદાવાદના રખિયાલ-બાપુનગર વિસ્તારમાં તલવારો લઈને આતંક મચાવતા લોકોના વીડિયો સામે આવ્યા હતા. તે વીડિયોમાં બે પોલીસ કર્મચારી રીતસર આ ટપોરીઓની આગળ નમાલા હોય તેવું સાબિત થતું હતું અને આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસની સહેજ પણ ધાક ન હોવાની વાત વહેતી થતા પોતાની ફરજમાં પાલન ન કરવા સંદર્ભે અને તાત્કાલિક એક્શન ન લેવા બાબતે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઇન્ચાર્જ ઝોન 6 ડીસીપીએ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે . જેમાં હેડ કોસ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેશકુમાર સસ્પેન્ડ કર્યા હોવાની વિગત સામે આવી છે. આ પ્રકરણમાં બે આરોપીને પીસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.