બે સગા ભાઈએ પરિણીતાને 4 મહિના શિકાર બનાવી:સુરતમાં પરિણીતાના અર્ધનગ્ન ફોટો વાઇરલ કરવાનું કહી ઘરે-હોટલમાં દુષ્કર્મ આચર્યું, પતિને છૂટાછેડા આપવા પણ દબાણ કર્યું

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈએ પરિણીતાને તેના અર્ધનગ્ન ફોટા બતાવી ઘરે અને હોટલમાં લઈ જઈ સતત ચાર મહિના સુધી હવસનો શિકાર બનાવી હતી. પરિણીતાને તેના પતિને છૂટાછેડા આપી દેવા પણ દબાણ કરવામાં આવતું હોય અને દુષ્કર્મ ગુજારવામાં આવતાં આખરે આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પરિણીત મહિલાએ બળાત્કારનો ગુનો નોંધાવ્યો ઉત્રાણ પોલીસ સ્ટેશનથી મળતી વિગત પ્રમાણે, મોટા વરાછા રિવરફ્રન્ટની બાજુમાં શ્રેયસ રો-હાઉસમાં રહેતા પરેશ મનજીભાઈ મિયાણી અને તેના ભાઈ નરેશ મનજીભાઈ મિયાણી વિરુદ્ધ ઉત્રાણ વિસ્તારની એક પરિણીત મહિલાએ બળાત્કારનો ગુનો નોંધાવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ પરિણીતાનો અર્ધનગ્ન ફોટો પરેશ પાસે હોવાથી ફોટો બતાવીને તેને બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો.

પતિને છૂટાછેડા આપી દેવા દબાણ કરતા પરેશે તેના ભાઈ સાથે પણ શરીર સંબંધ રાખવા માટે પરિણીતાને દબાણ કર્યું હતું. પરેશના ભાઈ નરેશે પરિણીતાને બ્લેકમેઇલ કરી હોટલમાં લઈ જઈ શરીર સુખ માણ્યું હતું. ત્યાર બાદ પણ તેણીને અવારનવાર શરીર સંબંધ રાખવા તેમજ પતિને છૂટાછેડા આપી દેવા દબાણ કરવામાં આવતું હતું. લાચાર બનેલી પરિણીતાએ આખરે ગઈકાલે રાત્રે આ બાબતે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.