લખનૌ,
સમાજવાદી પાર્ટી (એસપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું ક યુપીના બંને નાયબ મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રી બનવા માંગે છે. તેમણે કહ્યું, અમે તો તેમને ખુલ્લી ઓફર કરી છે કે ૧૦૦ ધારાસભ્યો લઈ આવો, અમે સમર્થન કરીશું. મુખ્યમંત્રી તમે બની જાજો, અમે બહારથી સમર્થન આપીશું. અખિલેશે રામપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને સપાના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા આ વાત કહી.
સપાના વડાએ કહ્યું કે એક નાયબ મુખ્યમંત્રીની સ્થિતિ એવી છે કે તેઓ ડૉક્ટરની બદલી પણ નથી કરી શક્તા. બીજા ડેપ્યુટી મુખ્યમંત્રીના વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમને એવો વિભાગ આપવામાં આવ્યો છે, જેમાં બજેટ જ નથી. તેમણે કહ્યું કે, જ્યારે હું હતો તે સમયે હાલના જે સીએમ છે, તેમની એક ફાઇલ મારી પાસે આવી હતી, જેમાં તેમની સામે કેસની ભલામણ કરવામાં આવી હતી. મેં તે ફાઇલ પરત કરી દીધી હતી. જો કોઈને વિશ્વાસ ન હોય તો પૂછી લેજો તે સમયના અધિકારીઓને. અમે સમાજવાદી લોકો બદલાની ભાવનાથી કામ કરતા નથી.
અખિલેશે કહ્યું કે પંચાયતની ચૂંટણીમાં જનતાએ જે લોકોને હારાવ્યા હતા, તે પણ બેઈમાની કરીને ખુરશી પર બેસી ગયા. વિધાનસભાની ચૂંટણીમાં પણ જનતાએ સમાજવાદી સરકાર બનાવવા માટે મતદાન કર્યું હતું, પરંતુ જેમની સભાઓમાં ખુરશીઓ ખાલી રહેતી હતી, તે તમામ વિવિધ યુક્તિઓ અપનાવીને સત્તા પર આવી ગયા. અખિલેશે કહ્યું, તમે લોકો રામપુર પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને જીત અપાવો. ૨૦૨૪માં પરિવર્તન આવશે. તે પછી માં ભાજપની સરકાર નહીં ટકી શકે. તેમણે કહ્યું કે રામપુર પેટાચૂંટણી માત્ર એક વિધાનસભા ચૂંટણી નથી. આ ભાજપ સરકારને હલાવવાની ચૂંટણી છે. સત્તામાં બેસીને જે લોકો અન્યાય કરી રહ્યા છે, તે લોકો આપણને એટલા મજબુર ન કરી દે કે જ્યારે અમે સરકારમાં આવીએ ત્યારે અમારે પણ તેવા જ પગલાં લેવા પડે જે આ લોકો કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે ભાજપ સરકાર દરેક સ્તરે અન્યાય અને અત્યાચાર કરી રહી છે. લખીમપુર ખીરીમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ખેડૂતો પર ગાડીઓ ફેરવી દીધી હતી. ભાજપના લોકો પોતાના હક માટે લડી રહેલા ખેડૂતોના જીવ લીધા. તે આપણા શીખ ભાઈઓ અને ખેડૂતોની તાકાત હતી, જેમની આગળ પ્રધાનમંત્રીએ નમવું પડ્યું અને ત્રણેય કાળા કૃષિ કાયદાને પાછા ખેંચવા પડ્યા હતા.
તો ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી મોહમ્મદ આઝમ ખાને કહ્યું, મેં રામપુરને ઘણી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. અહીં યુનિવસટી બનાવી, ગરીબોના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરી, પરંતુ આજે સરકારે રામપુરને છાવણીમાં ફેરવી દીધું છે. શેરીઓમાં પોલીસ ફરે છે અને લોકોને ડરાવવામાં આવે છે. તેમણે લોકોને અપીલ કરી કે પોતાના હક અને સન્નમાન માટે અન્યાય અને અત્યાચાર સામે મતદાન કરે.