હાલોલના પાવાગઢ રોડ ઉપર પ્લાસ્ટિક-કેમિકલના ડ્રમ ભરેલું ગોડાઉનમાં આગ : ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી

હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરા તફરી મચી છે. હાલોલમાં વધુ એકવખત આવી દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્લાસ્ટિક અને કેમિકલના ડ્રમ ભરેલા ગોડાઉનમાં આગ લાગતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

હાલોલના બાયપાસ રોડ ઉપર આવેલ સ્ક્રેપ અને ભંગારના 15થી વધુ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાના બે જ દિવસમાં વધુ એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. પાવાગઢ રોડ ઉપર આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને સ્પંચ સહિતનો સ્ક્રેપ અને કેમિકલના ડ્રમ હતા, જેમાં આગ લાગતાં આજુબાજુના લોકોમાં દહેશત વ્યાપી જવા પામી છે. બનાવની જાણ હાલોલ ફાયરની ટીમને કરવામાં આવતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ ઉપર નિયંત્રણ મેળવવા માથામણ કરી રહી છે.

પાવાગઢ રોડ ઉપર સિંધવાઈ મંદિરની સામે આવેલા ભંગાર અને સ્ક્રેપની આડમાં કેમિકલનું પ્રોસેસિંગ કરતા એક ટ્રેડર્સને થોડાં સમય પહેલાં જ GPCBએ હેઝર્ડ વેસ્ટને કારણે ક્લોઝર આપવામાં આવ્યો હતો. આજે સાંજે ત્યાં નજીકમાં જ વધુ એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. ગોડાઉનમાં સ્પંચ, પ્લાસ્ટિક સહિત પીયુનો સ્ક્રેપ આગમાં સળગી જતાં ધુમાડાના ગોટા આકાશમાં ઉઠ્યા હતા. ગોડાઉનમાં કેમિકલના ડ્રમ હોવાથી તે બ્લાસ્ટ થવાની સંભાવનાઓને કારણે લોકોમાં ભય ફેલાયો છે.

હાલોલ GIDCમાં આવેલા અનેક એકમો GPCBના નિયમોની ઐસી તૈસી કરી કંપનીમાંથી નીકળતો વેસ્ટ બારોબાર સગેવગે કરવા આવા સ્ક્રેપ અને ભંગારના ગોડાઉનોમાં વેસ્ટ ઠાલવી દેતાં હોય છે. જેના કારણે નગરના રહેણાક વિસ્તારોમાં પણ અનેક સ્ક્રેપના ગોડાઉનો માત્ર પાલિકાના વ્યવસાય વેરાના આધારે ઉભા થઇ ગયા છે. હાલોલ પાલિકાના વેસ્ટ નિકાલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આવા ગોડાઉનોમાં ઠલવાતાં સ્ક્રેપ અંગે કોઈ જ તપાસ કરવામાં આવતી ન હોવાથી અહીં બિન્દાસ હેઝર્ડનો પણ નિકાલ કરી દેવાની પ્રવૃત્તિઓ પણ સામે આવે છે.

GPCBની એનઓસી મેળવ્યા વગર ઉભા થયેલા અને માનવજીવન માટે ઘાતક સ્ક્રેપનો ખુલ્લેઆમ નિકાલ કરતાં આવા ગોડાઉનોમાં તપાસ કરવામાં આવતી નથી. GPCBના અધિકારી આવા સ્ક્રેપના ગોડાઉનોમાં હેઝર્ડ વેસ્ટ હોય તો જ અમારે કાર્યવાહી કરવાની થતી હોવાનું જણાવી તેમની જવાબદારીમાંથી છટકી જવાના પ્રયાસો કરે છે, જ્યારે નગરપાલિકા આ સ્થિતિમાં GPCB દ્વારા કામગીરી કરવામાં આવે તેવી અપેક્ષા રાખતાં આવા ગોડાઉનો બેરોકટોક પોતાની ગેરકાયદે સ્ક્રેપની આડમાં ઔદ્યોગિક એકમોનો નકામો વેસ્ટ નિકાલ કરવાની કામગીરી ચલાવી રહ્યા છે.

બે દિવસ પહેલાં 15થી વધુ ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ ઉપર નિયંત્રણ મેળવવા 7 જેટલી ફાયર ટીમએ કલાકની જહેમત ઉઠાવી હતી, જ્યારે આજે વધુ એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે, જે હાલોલ નગરપાલિકા અને GPCBની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કરી રહી છે.